<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

તમિલનાડુમાં થલાપતિનો ખેલ બગડયો? ઉદયનિધિની માસ્‍ટરસ્‍ટ્રોકથી વિજયનું CM બનવાનું સપનું અધ્‍ધરતાલ!

AIADMK ભાજપનો સાથ છોડી DMK સાથે ગુપ્ત સમજૂતી કરી શકે તેવી અટકળો

ચેન્નઈ, તા.૮: તમિલનાડુના રાજકારણમાં અત્‍યારે સીટિંગ ઓન ધ એજ જેવી સ્‍થિતિ છે. સુપરસ્‍ટાર વિજયની પાર્ટી TVK એ ૧૦૮ બેઠકો જીતીને જબરદસ્‍ત એન્‍ટ્રી તો કરી, પરંતુ સત્તાના શિખરથી માત્ર પાંચ ડગલાં દૂર તેમનો રથ અટકી ગયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે AIADMK અને DMK દાયકાઓથી એકબીજાના કટ્ટર દુશ્‍મન રહ્યા છે, તેઓ હવે વિજયને સત્તાથી દૂર રાખવા માટે હાથ મિલાવે તેવી શકયતા છે. સૂત્રોનું માનીએ તો, AIADMK ભાજપનો સાથ છોડીને NDA માંથી બહાર નીકળવાની ફિરાકમાં છે, જેથી કરીને DMK નો બહારથી ટેકો મેળવી શકાય. આ રાજકીય વળાંક પાછળ ઉદયનિધિ સ્‍ટાલિનની રણનીતિ હોવાનું મનાય છે, જેઓ કોઈ પણ કાળે વિજયને નવા યુગના MGR બનતા રોકવા માંગે છે.

રાજ્‍યપાલ રાજેન્‍દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયની દાવેદારીને બીજી વખત ફગાવી દેતા રાજભવન અને TVK વચ્‍ચે તણાવ વધી ગયો છે. વિજય પાસે ૧૧૩ ધારાસભ્‍યોનું સંખ્‍યાબળ હોવા છતાં, ૧૧૮ ના જાદુઈ આંકડા વગર રાજ્‍યપાલ નમતું જોખવા તૈયાર નથી. આ સમયનો લાભ લઈને વિપક્ષોએ કિંગમેકર ગણાતા VCK અને ડાબેરી પક્ષોને પોતાની તરફ ખેંચવાનું શરૂ કરી દીધું છે. VCK ના નેતાઓએ તો એવો ગંભીર આરોપ પણ લગાવ્‍યો છે કે વિજય ગંભીર રાજકારણને બદલે વોટ્‍સએપ પર સમર્થન માંગી રહ્યા છે. આ નિવેદન સ્‍પષ્ટ સંકેત આપે છે કે નાના પક્ષો પણ અત્‍યારે વિજયની કાર્યશૈલીથી નારાજ છે અને તેઓ સ્‍ટાલિન કેમ્‍પ તરફ ઝૂકી રહ્યા છે.

તમિલનાડુના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે જો કોઈ ત્રીજો પક્ષ આટલી નજીક પહોંચ્‍યા પછી પણ સત્તાથી વંચિત રહી જાય. ભાજપને દક્ષિણના રાજકારણમાંથી બહાર રાખવા માટે AIADMK પોતાનું સ્‍ટેન્‍ડ બદલી રહી છે, જેનો સીધો ફાયદો DMK ને મળી શકે છે. જો આગામી ૨૪ કલાકમાં કોઈ મોટો ઉલટફેર ન થયો, તો વિજયે વિધાનસભામાં વિપક્ષમાં બેસવાનો વારો આવી શકે છે. 

(2:50 PM IST)