<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

આર્થિક મંદીમાંથી ઉગરવા થાઈલેંડવાસીઓ ચહેરા પર લગાવી રહ્યા છે સોનાનો વરખ : 'ના ના થોંગ'નામની જૂની ધાર્મિક વિધિ

થાઇલેન્ડના પોર કાએ ન્ગોએન લેન પાર્કમાં એક ખાસ વિધિ માટે લોકોની ભીડ ઉમટી રહી છે : થાઇ સમાજમાં, સોનાને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે

થાઇલેન્ડની એક અનોખી વિધિના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં થાઇલેન્ડના પોર કાએ ન્ગોએન લેન પાર્કમાં એક ખાસ વિધિ માટે લોકોની ભીડ ઉમટી રહી છે. આ ખાસ વિધિ દરમિયાન, લોકો પોતાના ચહેરા પર સોનાનો વરખ લગાવી રહ્યા છે. સૌથી ખાસ વાત તો એ છે કે, ડઝનબંધ લોકો ધીરજપૂર્વક પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.

અહેવાલો અનુસાર , આ વિધિમાં લોકોના કપાળ , ગાલ અને હોઠની નીચેના ભાગે સોનાના પાતળા પડ લગાવવાનો સમાવેશ થાય છે.

'ના ના થોંગ'નામની વિચિત્ર વિધિ અયુત્યા પ્રાંતના 'પોર કે ન્ગોએન લેન પાર્ક'માં થઈ રહી છે. અહીં 'પોર કે' નામના સાધુની એક વિશાળ પ્રતિમા ઉભી છે. થાઇલેન્ડમાં, આ સાધુને પ્રાચીન જ્ઞાનનો સ્વામી અને ભાગ્યની ઈચ્છા રાખનારાઓનો રક્ષક માનવામાં આવે છે.

થાઇ સમાજમાં, સોનાને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન કાળથી, મંદિરોમાં બુદ્ધની મૂર્તિઓ સોનાથી મઢેલી છે. આ માન્યતાને કારણે લોકો પોતાના ચહેરા પર સોનું લગાવવા લાગ્યા છે, જેથી તેમનું ભાગ્ય બદલાઈ શકે. આર્થિક મંદીનો સામનો કરી રહેલા થાઈલેન્ડમાં, લોકો હવે સારા ભવિષ્યની આશા રાખીને આ ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યા છે.

થાઈલેન્ડમાં, આ પવિત્ર ધાર્મિક વિધિને 'ના ના થોંગ' કહેવામાં આવે છે, જેનો અર્થ 'સોનેરી ચહેરાનો આશીર્વાદ' થાય છે. આ ધાર્મિક વિધિ દરમિયાન, 35 વર્ષીય ધાર્મિક વિધિકાર, માસ્ટર ટોંગ, ભક્તોના કપાળ, ગાલ અને હોઠની નીચેના ભાગે સોનાનો વરખ લગાવે છે, અને પછી આખા ચહેરા પર માલિશ કરે છે, જેનાથી તે સોના જેવો ચમકતો રહે છે. થાઈલેન્ડની રાજધાની, બેંગકોક અને અન્ય શહેરોમાં આવી વિધિઓ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માલિશ પછી, ખાસ મંત્રો અથવા પ્રાર્થનાઓ સાથે સોનું ત્વચામાં સમાઈ જાય છે.

(12:49 PM IST)