તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
આર્થિક મંદીમાંથી બહાર આવવા થાઈલેન્ડમાં અનોખો રસ્તો: લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે ખાસ વિધિ
ભાગ્ય ચમકાવવા અને સમૃદ્ધિ મેળવવા માટે 'ના ના થોંગ' ધાર્મિક વિધિ બની આકર્ષણનું કેન્દ્ર, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

અયુત્યા :થાઇલેન્ડમાં પ્રવર્તમાન આર્થિક મંદી, વધતી મોંઘવારી અને ઘટતા ગ્રાહક બજાર સામે ઝઝૂમી રહેલા લોકોએ પોતાના નસીબને બદલવા અને સારા ભવિષ્યની આશા સાથે અયુત્યા પ્રાંતના 'પોર કે ન્ગોએન લેન પાર્ક' ખાતે ભારે ભીડ એકત્ર કરીને પોતાના ચહેરા પર સોનાનું વરખ લગાવવાની 'ના ના થોંગ' નામની એક અત્યંત અનોખી અને લોકપ્રિય ધાર્મિક વિધિમાં મોટા પ્રમાણમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું છે.
આ ધાર્મિક વિધિની વિગતવાર માહિતી આપતા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે આ પાર્ક ખાતે પ્રાચીન જ્ઞાનના સ્વામી અને ભાગ્યના રક્ષક ગણાતા 'પોર કે' નામના સાધુની વિશાળ પ્રતિમા સમક્ષ ૩૫ વર્ષીય ધાર્મિક વિધિકાર માસ્ટર ટોંગ દ્વારા ભક્તોના કપાળ, ગાલ અને હોઠની નીચેના ભાગે સોનાનો વરખ ચોંટાડીને વિશિષ્ટ માલિશ કરવામાં આવે છે, જેનાથી સોનું ત્વચામાં સમાઈ જાય છે. થાઈ સમાજમાં સોનાને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવતું હોવાથી રાજધાની બેંગકોક સહિતના વિવિધ શહેરોમાંથી લોકો આ વિધિ કરાવવા માટે લાંબી કતારોમાં રાહ જોતા નજરે પડે છે.
આ પરંપરા પાછળની માન્યતા વિશે વાત કરીએ તો, પ્રાચીન કાળથી જ થાઈ મંદિરોમાં બુદ્ધની મૂર્તિઓને સોનાથી મઢવાની પરંપરા રહી છે, અને હાલના સમયમાં વેપાર-ધંધામાં નુકસાન તથા આર્થિક મંદીનો સામનો કરી રહેલા લોકો માટે ચહેરા પર સોનાનું વરખ લગાવવું એ માત્ર કોઈ દેખાડો કે શણગાર નથી પરંતુ માનસિક મજબૂતી અને આશા જગાડવાનો એક પ્રતીકાત્મક તથા આધ્યાત્મિક માર્ગ બની ગયો છે.
ભૂતકાળમાં પણ આ પ્રકારની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ થાઈ સમાજનો અભિન્ન અંગ રહી છે, અને વર્તમાન આર્થિક સંકટના સમયમાં લોકો પોતાની આશાઓને જીવંત રાખવા માટે આવા પરંપરાગત ઉપાયો તરફ વળ્યા છે, જે આગામી દિવસોમાં આ પ્રદેશના લોકોની માનસિક સ્થિતિ અને પર્યટન ક્ષેત્ર પર કેવો પ્રભાવ પાડે છે તે સમય જ બતાવશે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
