<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

જમ્મુ-કાશ્મીરમાં પાઠ્યપુસ્તક પર વિવાદ: આતંકવાદીને ‘શહીદ’ અને અલગતાવાદીઓને ‘સ્વતંત્રતા સેનાની’ ગણાવતા ખળભળાટ

સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ વહેંચાયેલા પુસ્તકમાં ઇતિહાસને તોડી-મરોડી રજૂ કરાતા સરકાર એક્શનમાં: શિક્ષણ વિભાગના ૮ ઉચ્ચ અધિકારીઓ સસ્પેન્ડ અને પ્રકાશકો બ્લેકલિસ્ટ

શ્રીનગર:  જમ્મુ અને કાશ્મીરના શિક્ષણ વિભાગમાં એક સનસનાટીભર્યો મામલો સામે આવતા સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સરકારી શાળાઓ અને પુસ્તકાલયોમાં 'સમગ્ર શિક્ષા અભિયાન' હેઠળ વહેંચવામાં આવેલા પુસ્તકોમાં ગંભીર વિવાદાસ્પદ સામગ્રી મળી આવી છે. આરોપ છે કે આ પુસ્તકમાં કુખ્યાત આતંકવાદી મકબુલ ભટ્ટને "શહીદ" તરીકે અને કાશ્મીરના કેટલાક કટ્ટરપંથી અલગતાવાદી નેતાઓને "સ્વતંત્રતા સેનાની" તરીકે ચિતરવામાં આવ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો થતાં જ વિવિધ સામાજિક સંગઠનો, દેશભક્તો અને વિપક્ષી પક્ષોએ ભારે આક્રોશ વ્યક્ત કરીને રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે.

આ સંવેદનશીલ મુદ્દો સૌથી પહેલા 'જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ફોરમ' (JKPF) દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. સંગઠને પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે નવી પેઢીના મગજમાં ઝેર ઘોળવા માટે તથ્યોથી તદ્દન વિપરીત અને રાષ્ટ્રવિરોધી ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. વિવાદ વકરતા જ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા સુનિલ શર્માએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકારી શાળાઓમાં કોઈપણ પુસ્તકનો સમાવેશ કરતા પહેલા એક સખત વહીવટી પ્રક્રિયા અને સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડે છે. તેથી, આટલી મોટી દેશવિરોધી ભૂલને માત્ર એક સામાન્ય 'વહીવટી ખામી' ગણીને છોડી શકાય નહીં, પરંતુ આની પાછળ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે.

ચારેબાજુથી ઘેરાયેલી જમ્મુ-કાશ્મીર સરકારે આ મામલે સખત વલણ અપનાવતા તાબડતોડ મોટી કાર્યવાહી કરી છે. આ વિવાદાસ્પદ પુસ્તકોની ખરીદી અને તેને મંજૂરી આપવાની પ્રક્રિયામાં સંડોવાયેલા શાળા શિક્ષણ વિભાગના ૮ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાષ્ટ્રવિરોધી સામગ્રી છાપનાર લેખકો અને પ્રકાશકો વિરુદ્ધ કાનૂની સકંજો કસતા તેમને કાયમ માટે 'બ્લેકલિસ્ટ' કરી દેવાયા છે અને તમામ સરકારી શાળાઓમાંથી આ પુસ્તકો જપ્ત કરવાનો આદેશ અપાયો છે. હાલમાં આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે, જેના કારણે શિક્ષણ જગતમાં વ્યાપક સન્નાટો છવાઈ ગયો છે.

(9:02 PM IST)