તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
પાકિસ્તાનના બન્નુમાં આતંકવાદીઓનો રક્તપાત: પોલીસ ચોકી પર આત્મઘાતી કાર બોમ્બ ધડાકા અને અંધાધૂંધ ફાયરિંગમાં ૩ જવાનો શહીદ
વિસ્ફોટકોથી ભરેલી કાર અથડાવી આખી ચોકીને કાટમાળમાં ફેરવી નાખ્યા બાદ હુમલાખોરોએ ડ્રોન અને આધુનિક હથિયારોથી વરસાવી ગોળીઓ, ઈત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન જૂથે લીધી હુમલાની જવાબદારી

બન્નુ: ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત વિસ્તારમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવીને ભયાનક હુમલો કર્યો છે. શનિવારે બન્નુ શહેરની સીમા પર આવેલી એક મહત્વની પોલીસ ચોકી પર આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી કાર અથડાવીને પ્રચંડ ધડાકો કર્યો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી પોલીસ ચોકીની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને આસપાસના મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રારંભિક અહેવાલો મુજબ, આ કાયરતાપૂર્ણ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે.
ઘટનાની વિગતો મુજબ, આતંકવાદીઓએ માત્ર આત્મઘાતી હુમલો જ નહીં, પરંતુ અત્યંત આયોજનબદ્ધ રીતે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ તરત જ સશસ્ત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો અને આ દરમિયાન ડ્રોન દ્વારા પણ દેખરેખ અને હુમલા કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય સુરક્ષા દળો ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર પણ ઓચિંબો હુમલો કરીને બચાવ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ વિસ્તારમાં મોડી રાત સુધી સામસામે ગોળીબાર ચાલુ રહ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ ભયાનક હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીને સ્વીકારી છે. અફઘાનિસ્તાન સરહદ નજીકના આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી હિંસાની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે, જેને પગલે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. સ્થાનિક હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસકર્મીઓની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આ હુમલાએ પ્રાદેશિક સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
