તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
અનંતનાગમાં આતંકી હુમલોઃ લાલ ચોક નજીક તૈનાત હેડ કોન્સ્ટેબલ શહીદ
આતંકી સંગઠન TRF એ લીધી જવાબદારી : સુરક્ષા દળો દ્વાર સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી અને સઘન સર્ચ ઓપરેશન શરૂ

અનંતનાગ, તા.૨૨: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાંથી એક અત્યંત દુઃખદ અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. બપોરે લાલ ચોક નજીક આવેલી કોટવાલ ગલીમાં અજાણ્યા આતંકવાદીઓએ પોલીસ ટુકડીને નિશાન બનાવીને અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં IR (ઇન્ડિયન રિઝર્વ) ની ૩જી બટાલિયનના હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન ગંભીર રીતે ઘવાય બાદ ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. દિવસધાડે થયેલા આ હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, શહીદ હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન પવિત્ર અમરનાથ યાત્રાના રૂટની સુરક્ષા ફરજ પર તૈનાત હતા. હુમલાને અંજામ આપ્યા બાદ આતંકવાદીઓ ગીચ ગલીઓનો લાભ ઉઠાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાના તુરંત બાદ સુરક્ષા દળો અને પોલીસે સમગ્ર લાલ ચોક વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ફરાર આતંકીઓને શોધી કાઢવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. દરમિયાન, લશ્કર-એ-તૈયબાના સહયોગી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી સ્વીકારી છે. અમરનાથ યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હોવા છતાં આ પ્રકારે થયેલા આતંકી હુમલાએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે અને ટૂંક સમયમાં જ હુમલાખોરોને વળતો જવાબ આપવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
