તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
આતંકવાદના આકાઓ ભારત સામે આંગળી ન ચીંધે: કરાચી હુમલા પર ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબ
પાકિસ્તાનમાં આતંકવાદીઓએ જ પાકિસ્તાન રેન્જર્સના કેમ્પને નિશાન બનાવી લોહીની હોળી રમી, છતાં પોતાની આંતરિક નિષ્ફળતા છુપાવવા ઇસ્લામાબાદે આદત મુજબ ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો

નવી દિલ્હી: કરાચીમાં શનિવારે મોડી રાત્રે પાકિસ્તાન રેન્જર્સના હેડક્વાર્ટર કેમ્પ પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ફરી એકવાર પોતાની જૂની આદત મુજબ ભારત પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાની સેનાના આ આરોપોનો ભારતે અત્યંત આકરા શબ્દોમાં સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના આ આક્ષેપોને સદંતર ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે, જે દેશ પોતે આતંકવાદને પોતાની સરકારી નીતિ નો ભાગ બનાવીને બેઠો છે અને આતંકવાદને પોષી રહ્યો છે, તેણે ભારત તરફ આંગળી ઉઠાવવાની કોઈ જરૂર નથી.
વાસ્તવમાં, કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં આવેલા અર્ધલશ્કરી દળ (સિંધ રેન્જર્સ) ના કેમ્પ પર આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલી ગાડી અથડાવીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ આત્મઘાતી હુમલામાં ત્રણ પાકિસ્તાની જવાનોના મોત થયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની તાલિબાનના જ એક જૂથ 'જમાત-ઉલ-અહરાર' એ સ્વીકારી છે, તેમ છતાં પાકિસ્તાની સત્તાધીશોએ પુરાવા વિના ભારતનું નામ વચ્ચે ઢસડવાનો પ્રયાસ કર્યો હતો. ભારત સરકારે આને પાકિસ્તાનની હતાશા ગણાવી છે.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને અરીસો બતાવતા કડક શબ્દોમાં સલાહ આપી છે કે, દર વખતે પોતાના દેશમાં થતી હિંસા માટે બીજા પર જુઠ્ઠા આરોપો લગાવવાને બદલે પાકિસ્તાને પોતાના જ ઘરમાં મુક્તપણે ફરી રહેલા આતંકવાદી સંગઠનો સામે કડક એક્શન લેવા જોઈએ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનની આ ધરાર આક્ષેપબાજી માત્ર તેની આંતરિક સુરક્ષાની મોટી નિષ્ફળતાઓ અને જનતાના આક્રોશ પરથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભટકાવવા માટેનો એક સસ્તો પેંતરો માત્ર છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
