<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અમેરિકામાં 'ડિજિટલ એરેસ્ટ' અને નકલી રાજદ્વારીઓનું આતંક: યુએસમાં વસતા ભારતીયો કૌભાંડીઓના નિશાને, વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે જારી કરી કડક ચેતવણી!

વોઇસ ક્લોનિંગ અને AI ટેકનોલોજીની મદદથી કૌભાંડીઓ ભારતીય હાઈ કમિશનના અધિકારી બનીને ખંખેરી રહ્યા છે લાખો રૂપિયા; "તમારો ફોન નંબર આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલો છે" કહીને ડરાવવાનો નવો કીમિયો, ફરિયાદોમાં ૭૫ ગણો ઉછાળો

વોશિંગ્ટન : અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાય (ડાયસ્પોરા) માટે એક ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં વસતા હજારો ભારતીય-અમેરિકનોને હાઈ-ટેક કૌભાંડીઓ દ્વારા મોટા પાયે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ભેજાબાજ સ્કેમર્સ ભારતીય દૂતાવાસ (Embassy) અને કોન્સ્યુલેટના નકલી અધિકારીઓ બનીને લોકોને ફોન કરી રહ્યા છે અને કાનૂની કાર્યવાહીનો ડર બતાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય નાગરિકો માટે એક નવી અને તાકીદની પબ્લિક એડવાઈઝરી (ચેતવણી) જારી કરી છે.

દર અઠવાડિયે સેંકડો ફરિયાદો, 'ઇમરજન્સી' કહીને પૈસા પડાવવાનો ખેલ

અહેવાલો અનુસાર, અમેરિકામાં આવેલા ભારતીય મિશનોને દર સપ્તાહે આવી છેતરપિંડી અંગેની અસંખ્ય ફરિયાદો મળી રહી છે. સ્કેમર્સ નકલી યુએસ ફોન નંબરો અને કોલર આઈડી સ્પૂફિંગ (જેમાં ફોન સ્ક્રીન પર ઓફિશિયલ સરકારી નંબર જ દેખાય છે) નો ઉપયોગ કરીને લોકોને જાળમાં ફસાવે છે. કોલ કરનારા કૌભાંડીઓ પીડિતોને કાં તો તેમના વિઝા અને મુસાફરી દસ્તાવેજો ઝડપી પ્રક્રિયાથી પૂરા કરવા માટે તાકીદે પૈસા ચૂકવવાનું કહે છે, અથવા તો એવો ખોટો દાવો કરે છે કે ભારતમાં પીડિતના નામે ચાલી રહેલું સિમ કાર્ડ કોઈ મોટી ગુનાહિત કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલું જોવા મળ્યું છે.

સાયબર ક્રાઈમના આંકડા જોઈને નિષ્ણાતો પણ સ્તબ્ધ

સરકારી ડેટા અનુસાર, યુએસમાં ભારતીય-અમેરિકનો સાથે સંકળાયેલી આવી નકલખોરીની ફરિયાદોમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. વર્ષ ૨૦૨૪ માં આ પ્રકારના માત્ર ૮ કેસ નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૫ માં અચાનક વધીને ૬૧૩ પર પહોંચી ગયા છે, એટલે કે ફરિયાદોમાં સીધો ૭૫ ગણો વધારો થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર પણ ઘણા પીડિતોએ પોતાના કડવા અનુભવો શેર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કેવી રીતે નકલી પોલીસ તપાસ અથવા કેસ રફા-દફા કરવાના નામે તેમના પર માનસિક દબાણ લાવીને હજારો ડોલર ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.

AI અને વોઇસ ક્લોનિંગ બન્યા કૌભાંડીઓના હથિયાર

સાયબર સિક્યોરિટી નિષ્ણાતોના મતે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એડવાન્સ વોઇસ ક્લોનિંગ (જેમાં સત્તાવાર અધિકારીઓ જેવો જ અવાજ આબેહૂબ તૈયાર કરાય છે) અને કોલર આઈડી બદલવાની આધુનિક ટેકનોલોજીને કારણે આ કૌભાંડો એટલા આબેહૂબ અને સાચા લાગે છે કે શિક્ષિત લોકો પણ સરળતાથી તેનો ભોગ બની જાય છે. દૂતાવાસના કર્મચારીઓનો ઘણો સમય અત્યારે આ પીડિતોની મદદ કરવામાં અને આવી નકલી કથાઓને ડિબંક કરવામાં જઈ રહ્યો છે.

દૂતાવાસે આપી મહત્વની સલાહ: ક્યારેય ફોન પર વિગતો ન આપો

ભારતીય દૂતાવાસે પોતાના સત્તાવાર નિવેદનમાં ભારતીય સમુદાયને આશ્વસ્ત કરતા જણાવ્યું છે કે તેઓ આ મામલે યુએસ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કડક તપાસ ચલાવી રહ્યા છે. દૂતાવાસે તમામ ભારતીયોને નમ્ર અપીલ કરી છે કે, "ભારતીય એમ્બેસી કે કોન્સ્યુલેટના સાચા અધિકારીઓ ક્યારેય પણ કોઈ નાગરિકને ફોન કરીને નાણાકીય લેવડદેવડ, ગુનાહિત ધમકીઓ આપતા નથી કે ઓનલાઇન પૈસા કે સંવેદનશીલ વ્યક્તિગત દસ્તાવેજો માંગતા નથી." જો આવો કોઈ અવાંછિત કોલ આવે, તો તરત જ ફોન કાપીને સત્તાવાર ઈમેલ આઈડી પર તેની પુષ્ટિ કરવી હિતાવહ છે.

(8:08 PM IST)