તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
ફિલિપાઈન્સમાં ભૂકંપનો ભયાનક પ્રભાવ: 7.6ની તીવ્રતાનો ધરતીકંપ આવતા સમુદ્રકિનારો 200 મીટર સુધી આગળ વધી ગયો, દરિયાનો નકશો જ બદલાઈ ગયો
મિન્ડાનાઓ ટાપુ પર ધરતીકંપ બાદ જમીન ઉંચી આવી: સુનામીની ચેતવણી વચ્ચે દરિયો પાછો ખસ્યો અને નવો બીચ બન્યો; વૈજ્ઞાનિકો કહે છે આ 'કોસ્ટલ અપલિફ્ટ'ની દુર્લભ ઘટના, સ્થાનિકો માટે નવો પ્રવાસન સ્થળ બની શકે

ફિલિપાઈન્સ તા.૨૦ : દક્ષિણ-પૂર્વ એશિયાના ફિલિપાઈન્સમાં આવેલા શક્તિશાળી ભૂકંપે માત્ર તબાહી જ નહીં પરંતુ ભૂગોળ પણ બદલી નાખી છે. મિન્ડાનાઓ ટાપુ પર આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપ બાદ ત્યાંનો સમુદ્રકિનારો લગભગ 200 મીટર સુધી દરિયાની અંદર આગળ વધી ગયો છે. જેના કારણે હવે ત્યાં નવો બીચ બન્યો છે.
ભૂકંપ બાદ આવેલી સુનામીની ચેતવણી વચ્ચે સ્થાનિક લોકોએ જોયું કે દરિયાનું પાણી અચાનક પાછું ખસી ગયું અને કિનારાથી ઘણું દૂર સુધી સૂકી જમીન દેખાવા લાગી. જ્યારે પાણી પાછું આવ્યું ત્યારે કિનારો પહેલા કરતા ઘણો આગળ નીકળી ગયો હતો. સેટેલાઇટ તસવીરોમાં પણ આ ફેરફાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આ ઘટનાને "કોસ્ટલ અપલિફ્ટ" કહેવાય છે. ભૂકંપ દરમિયાન ટેક્ટોનિક પ્લેટમાં હલનચલન થવાના કારણે દરિયાકાંઠાની જમીન ઉપર ઉઠી આવી હતી. જેના કારણે સમુદ્રનું તળિયું પણ ઉપર આવી ગયું અને નવો બીચ બન્યો. આ પ્રકારની ઘટના દુર્લભ હોય છે અને માત્ર મોટા ભૂકંપ પછી જ જોવા મળે છે.
સ્થાનિક માછીમારો માટે આ નવી જમીન આશીર્વાદ અને શ્રાપ બંને બની છે. એક તરફ તેમને હવે વધારાની જમીન મળી છે જ્યાં તેઓ હોડી રાખી શકે છે. બીજી તરફ તેમના પરંપરાગત માછીમારીના વિસ્તારો બદલાઈ ગયા છે અને દરિયાની ઊંડાઈ પણ ઓછી થઈ ગઈ છે.
ફિલિપાઈન્સ સરકારે આ વિસ્તારને જોખમી ઝોન જાહેર કર્યો છે કારણ કે આવતા ભૂકંપમાં ફરી જમીન બેસી પણ શકે છે. તેમ છતાં પ્રવાસીઓ નવો બનેલો બીચ જોવા માટે મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રે સલામતીના પગલા સાથે આ વિસ્તારને નવા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું વિચારી રહ્યું છે.
વૈજ્ઞાનિકો આ ઘટનાનો અભ્યાસ કરી રહ્યા છે કારણ કે તે ભવિષ્યમાં ભૂકંપ અને દરિયાકાંઠાના ફેરફારોને સમજવામાં મદરૂપ થશે. ભૂકંપે તબાહી તો સર્જી જ છે, પરંતુ પ્રકૃતિએ કેવી રીતે થોડી જ સેકન્ડમાં નવો કિનારો બનાવી દીધો એ માનવજાત માટે આશ્ચર્યજનક છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
