તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધના ભયાનક એંધાણ : અમેરિકાએ ૧૦ થી વધુ દેશોમાં સુરક્ષા એલર્ટ જાહેર કર્યું : ઇરાનની પથ્થર યુગમાં ધકેલી દેવાની સખત ચીમકી (ન્યૂઝફર્સ્ટ)
યુએસ અને ઇઝરાયેલના ઉર્જા માળખા પર સંભવિત હુમલાના અહેવાલો વચ્ચે ઇરાન આક્રમક બન્યું : ઇજિપ્ત સહિતના દેશોએ પણ ટ્રાવેલ એડવાઇઝરી કડક કરી

વોશિંગ્ટન (ન્યૂઝફર્સ્ટ): મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ઇરાન સાથે વધી રહેલા ભારે તણાવ અને યુદ્ધના ઓછાયા વચ્ચે અમેરિકા દ્વારા અત્યંત ગંભીર સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય પૂર્વના યુએઇ, કતાર, ઓમાન, ઇરાક, જોર્ડન, ઇઝરાયેલ, કુવૈત, સાઉદી અરેબિયા, બહરીન અને ઇજિપ્ત સહિતના તમામ મુખ્ય દેશોમાં આવેલા અમેરિકી દૂતાવાસોએ પોતાના નાગરિકોને તાકીદની સુરક્ષા એડવાઇઝરી આપી છે. અમેરિકી નાગરિકોને તેમની મુસાફરી યોજનાઓની પુનઃસમીક્ષા કરવા અને ફ્લાઇટ રદ્દ થવા કે પરિવહન સેવાઓ ખોરવાઈ જવાની શક્યતાઓ સામે અગાઉથી સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.
મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ઇરાનના ઉર્જા માળખા અને ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અમેરિકા અથવા ઇઝરાયેલ દ્વારા લશ્કરી કાર્યવાહી કે એરસ્ટ્રાઇક થઈ શકે છે તેવા અહેવાલો વહેતા થયા હતા. આ સંભવિત સૈન્ય હુમલાઓના કારણે સમગ્ર ક્ષેત્રનું એરસ્પેસ બંધ થવાની, વાહનવ્યવહાર ઠપ્પ થવાની અને ક્ષેત્રીય સ્તરે મોટું યુદ્ધ ફાટી નીકળવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે પ્રથમ વખત ઇજિપ્ત જેવા દેશે પણ અત્યંત કડક ટ્રાવેલ ગાઇડલાઇન બહાર પાડી છે.
બીજી તરફ ઇરાને પણ અમેરિકા અને ઇઝરાયેલને અત્યંત સખત શબ્દોમાં જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે. ઇરાને સ્પષ્ટ જણાવ્યું છે કે જો અમેરિકા કે ઇઝરાયેલ દ્વારા તેના ઉર્જા ક્ષેત્ર પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો તેનો એવો ભયાનક જવાબ આપવામાં આવશે કે સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્ર ફરી એકવાર પથ્થર યુગમાં ધકેલાઈ જશે. ઇરાનની આ ખુલ્લી ધમકી અને અમેરિકી સિક્યુરિટી એલર્ટ બાદ આખા મધ્ય પૂર્વમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
