તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
આકાશમાં ભયાનક ડ્રામા: એર ઈન્ડિયા પ્લેનમાં તમામ ૩ હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ, સીટબેલ્ટ સાઈન બંધ હોવાથી મુસાફરો છત સાથે અથડાયા; તપાસમાં પાયલટ નશાકારક દ્રવ્યોના ટેસ્ટમાં પોઝિટિવ!
AAIB ની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા: ૩૬,૦૦૦ ફીટની ઊંચાઈએ પ્લેન અચાનક ૩૭૨ ફીટ ઉપર ગયું અને ૨૯૨ ફીટ નીચે પછડાયું; ૨૪ લોકો ઈજાગ્રસ્ત, શૌચાલયની કમોડ અને સીલિંગ પેનલો પણ તૂટી ગઈ

નવી દિલ્હી, તા.૦૪: ૪ ઓગસ્ટે ફૂકેતથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI-2379) માં ૩૬,૦૦૦ ફીટની અકલ્પનીય ઊંચાઈએ સર્જાયેલી ભયાનક દુર્ઘટના અંગે 'એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો' (AAIB) ના પ્રાથમિક તપાસ અહેવાલમાં કંપારી છૂટી જાય તેવા ખુલાસા થયા છે. ફ્લાઈટ જ્યારે આકાશમાં ક્રૂઝ કરી રહી હતી ત્યારે માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તેની ગ્રીન, બ્લુ અને યલો - ત્રણેય હાઈડ્રોલિક સિસ્ટમનું પ્રેશર ઝીરો થઈ ગયું હતું. આ ટેકનિકલ ખામી સર્જાતાં જ ઓટો-પાયલટ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી અને વિમાન અચાનક ૩૭૨ ફીટ ઊંચે જઈને ઝાટકા સાથે ૨૯૨ ફીટ નીચે પછડાયું હતું.
સૌથી મોટી આફત એ હતી કે તે સમયે શાંત વાતાવરણ હોવાથી સીટબેલ્ટની સાઈન બંધ હતી. અચાનક આવેલા આ પ્રચંડ આંચકાને કારણે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હવામાં ઊછળીને વિમાનની છત (સીલિંગ) અને પેનલો સાથે અથડાયા હતા. દુર્ઘટનામાં ૨૦ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ સહિત ૨૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ૪ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. ઝાટકો એટલો તીવ્ર હતો કે વિમાનની સીલિંગ પેનલો તૂટી ગઈ હતી, ઈમરજન્સી એક્ઝિટ હેન્ડલ ભાંગી ગયા હતા અને ટોયલેટની કમોડ પણ જમીનમાંથી ઉખડી ગઈ હતી.
જોકે, આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ઉતરાણ બાદ જ્યારે ક્રૂનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે મુખ્ય પાયલટ (Pilot-in-Command) નો સાયકોએક્ટિવ સબ્સ્ટન્સ (મનોપ્રભાવક નશાકારક દ્રવ્ય) નો ટેસ્ટ 'પોઝિટિવ' (Non-Negative) આવ્યો હતો. બ્લડ ટેસ્ટમાં પણ આ નશાકારક દ્રવ્યની પુષ્ટિ થઈ છે. AAIB એ આ બાબતને અત્યંત ગંભીર ગણાવીને ડીજીસીએ (DGCA) ને પાયલટ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા ભલામણ કરી છે. હાલમાં ફ્રાન્સની એરબસ ટીમ અને ભારતીય તપાસ એજન્સીઓ હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થવાના ટેકનિકલ કારણોની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
