<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભયાનક આતંકી હુમલો: કાર બોમ્બ બ્લાસ્ટથી પોલીસ ચોકી ઉડાવી દીધી

બન્નુ જિલ્લામાં મોડી રાત્રે થયેલા આત્મઘાતી હુમલામાં ૩ પોલીસકર્મી શહીદ, ઇમારતના કાટમાળ નીચે દબાવાથી ૧૫ ના મોત?

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના અફઘાનિસ્તાન સરહદ પાસે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક આતંકવાદી હુમલો થયો છે. આતંકીઓએ વિસ્ફોટકોથી ભરેલી કાર પોલીસની સુરક્ષા ચોકી સાથે અથડાવીને આત્મઘાતી બ્લાસ્ટ કર્યો હતો. આ પ્રચંડ ધડાકાને કારણે સુરક્ષા ચોકી અને આસપાસના મકાનો ધરાશાયી થયા હતા. 

ત્યારબાદ આતંકીઓએ ભારે ગોળીબાર પણ કર્યો હતો જેમાં સત્તાવાર રીતે ૩ પોલીસ અધિકારી શહીદ થયા છે અને અનેક જવાનો કાટમાળ નીચે ફસાયા હોવાથી મૃત્યુઆંક ૧૫ સુધી પહોંચવાની આશંકા છે.

 

આ હુમલો બન્નુ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં થયો હતો. શનિવારે મોડી રાત્રે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન સીધું જ પોલીસ ચેકપોસ્ટમાં ઘુસાડી દીધું હતું.

 

સ્થાનિક પોલીસ અધિકારી ઝાહિદ ખાનના જણાવ્યા મુજબ, બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આખી ચોકી અને આસપાસના નાગરિક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. બ્લાસ્ટ બાદ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. બચાવ કામગીરી અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. 

 

હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી, પરંતુ અગાઉ આવા હુમલા પાકિસ્તાની તાલિબાન (ટીટીપી - તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) દ્વારા કરવામાં આવ્યા છે. કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ હોવાથી વધુ જાનહાનિ થવાની આશંકા સેવાઈ રહી છે.

(10:38 AM IST)