તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
રાજસ્થાનમાં ભયાનક રેતીનું તોફાન : બપોરે કાળી ડિબાંગ રાત જેવું અંધારું છવાયું : ૭૦ કિમીની ઝડપે ફૂંકાયેલા રેતીના વાવાઝોડાએ મચાવ્યો તાંડવ
સરહદી વિસ્તારોમાં આકાશને આંબતી રેતીની વિશાળ દીવાલો વચ્ચે વિઝિબિલિટી શૂન્ય થતાં વાહનોના પૈડાં થંભી ગયા: ભયાનક તોફાન બાદ મેઘરાજાની એન્ટ્રીથી તાપમાનમાં ૮ ડિગ્રીનો આશ્ચર્યજનક ઘટાડો નોંધાયો

શ્રીગંગાનગર : રાજસ્થાનના રણપ્રદેશમાં કુદરતનું એક અત્યંત અદ્ભુત અને ડરામણું સ્વરૂપ જોવા મળ્યું છે. સરહદી જિલ્લાઓ એવા શ્રીગંગાનગર, ચુરુ અને બિકાનેરમાં બપોરે બરાબર બે વાગ્યે અચાનક હવામાનનો મિજાજ એવો પલટાયો કે જાણે પૃથ્વી પરથી સૂર્ય ગાયબ થઈ ગયો હોય. આકાશમાં રેતી અને ધૂળની એક ગગનચુંબી વિશાળ દીવાલ ઉભી થઈ હતી, જેણે જોતજોતામાં સમગ્ર શહેરને પોતાની લપેટમાં લઈ લીધું હતું. હોલીવુડની આપત્તિ આધારિત ફિલ્મો જેવા આ દ્રશ્યો એટલા ગીચ અને ભયાનક હતા કે બપોરના સમયે જ ઘનઘોર અંધારપટ છવાઈ ગયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કોઈ સામાન્ય આંધી નહોતી, પરંતુ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ફૂંકાયેલું એક રેતાળ ચક્રવાત (બવંડર) હતું. આ ભયાનક તોફાને અંદાજે ૩૦ મિનિટ સુધી રણપ્રદેશની ધરતી પર ભારે તાંડવ મચાવ્યું હતું. વાવાઝોડાને કારણે વિઝિબિલિટી ઘટીને અચાનક શૂન્ય થઈ જતાં હાઈવે પર દોડતા વાહનો જ્યાંના ત્યાં થંભી ગયા હતા. ડ્રાઈવરોને થોડા મીટર દૂરનું જોવામાં પણ ફાંફા પડતાં ભયના માર્યા ધોળા દિવસે પોતાના વાહનોની હેડલાઈટ્સ ચાલુ કરવાની ફરજ પડી હતી, જ્યારે સ્થાનિક લોકો ઘરના બારી-બારણાં બંધ કરીને અંદર કેદ થઈ ગયા હતા.
જો કે, આ વિનાશક રેતીના તોફાને શમી ગયા બાદ કુદરતે તરત જ પોતાનું બીજું શાંત સ્વરૂપ પ્રગટ કર્યું હતું. ધૂળની ડમરીઓ શાંત પડતાં જ આકાશ વાદળછાયું બન્યું અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ૪૫ ડિગ્રીથી વધુ (શ્રીગંગાનગરમાં ૪૮.૨ ડિગ્રી સુધી) તાપમાનમાં શેકાઈ રહેલા લોકોને આ વરસાદી જુગલબંધીએ મોટી રાહત આપી છે. પવન અને વરસાદના કારણે પારો સીધો ૮ ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડી જતાં સ્થાનિક રહેવાસીઓને અસહ્ય લૂ અને અકળાવનારા બફારામાંથી અણધારી ટાઢક મળી છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
