તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
તૃણમૂલ કોંગ્રેસમાં ભયંકર બળવો, મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવાયા! અરૂપ રોય બન્યા ટીએમસીના નવા બોસ
બંગાળમાં પરાજય બાદ ટીએમસીના બળવાખોર જૂથે હોટલમાં ગુપ્ત બેઠક યોજી નવી રાષ્ટ્રીય કારોબારી સમિતિ બનાવી: અભિષેક બેનર્જીની પણ મહાસચિવ પદ પરથી હકાલપટ્ટી, મમતા છાવણીએ બળવાને ગેરબંધારણીય ગણાવ્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી સોમવારે એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં યોજાયેલી બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભભૂકી રહેલો આંતરિક અસંતોષ હવે ખુલ્લી બળવાખોરીમાં ફેરવાઈ ગયો છે. ઋતાબ્રત બેનર્જીની આગેવાની હેઠળના ટીએમસીના એક મોટા બળવાખોર જૂથે પક્ષના હાઈકમાન્ડ સામે સીધો મોરચો માંડીને નવી રાષ્ટ્રીય કારોબારી સમિતિની જાહેરાત કરી દીધી છે. આ આશ્ચર્યજનક બળવા અંતર્ગત પક્ષના સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને હાવડા સેન્ટ્રલના ધારાસભ્ય અરૂપ રોયને પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીને પણ પક્ષના શક્તિશાળી રાષ્ટ્રીય મહાસચિવ પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે.
પક્ષના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળ વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થતાંની સાથે જ ન્યુ ટાઉન વિસ્તારની એક ખાનગી હોટલમાં બળવાખોર ધારાસભ્યો અને નેતાઓની એક હાઇ પ્રોફાઇલ બેઠક યોજાઈ હતી. આ બળવાખોર જૂથનો દાવો છે કે આ ગુપ્ત બેઠકમાં ટીએમસીના આશરે ૬૦ જેટલા ધારાસભ્યો અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ ૭૦ પૂર્વ કાઉન્સિલરો વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વાનુમતે ૩૦ સભ્યોની એક સંપૂર્ણપણે નવી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની રચના કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને તૃણમૂલ કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
પોતાને 'વાસ્તવિક તૃણમૂલ' ગણાવતા આ બળવાખોર નેતાઓએ પક્ષના જૂના નેતૃત્વને ઘેરવા માટે કાનૂની દાવ ખેલ્યો છે. તેમણે ટીએમસીના બંધારણના અનુચ્છેદ ૨૦ નો હવાલો આપતા જણાવ્યું હતું કે, નિયમ મુજબ પક્ષની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક દર ત્રણ વર્ષે ફરજિયાતપણે યોજાવવી જોઈએ. પરંતુ વર્ષ ૨૦૨૨ પછી આવી કોઈ સત્તાવાર બેઠક બોલાવવામાં આવી નથી, જેના કારણે જૂની સમિતિ આપમેળે ગેરકાયદે બની જાય છે. આ કાનૂની ક્ષતિના આધારે જૂની કારોબારીને ભંગ કરી નવી સમિતિની જાહેરાત કરાઈ છે, જેમાં પૂર્વ મંત્રી અરૂપ બિસ્વાસ, વરિષ્ઠ નેતા ફિરહાદ હકીમ અને રથિન ઘોષને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે જાવેદ ખાન, સંદીપન સાહા અને સબીના યાસ્મીનને મહાસચિવ તથા ઋતાબ્રત બેનર્જીને મુખ્ય મહાસચિવની કમાન સોંપવામાં આવી છે. આ સિવાય અખ્રુઝ્ઝમાનને પક્ષના નવા ખજાનચી જાહેર કરાયા છે. આ બેઠકમાં વરિષ્ઠ નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યના પુત્ર અને પૂર્વ કાઉન્સિલર સૌરભ બાસુની હાજરી પણ ભારે ચર્ચાનો વિષય બની હતી.
બીજી તરફ, મમતા બેનર્જીના વફાદાર કેમ્પ દ્વારા આ તમામ દાવાઓ અને નવી સમિતિને સખત શબ્દોમાં નકારી કાઢવામાં આવ્યા છે. આ અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપતા તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અને પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું હતું કે, બંગાળમાં "તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી એકબીજાના સમાનાર્થી છે, તેમને પક્ષમાંથી કોઈ અલગ કરી શકે નહીં." તેમણે ઉમેર્યું કે પક્ષના અધિકૃત બંધારણ મુજબ આ બળવાખોર જૂથ પાસે આવી કોઈ સમાંતર સમિતિ બનાવવાનો કે પક્ષના સર્વોચ્ચ નેતૃત્વમાં ફેરફાર કરવાનો કોઈ કાનૂની કે નૈતિક અધિકાર નથી. મમતા છાવણીના આ કડક વલણ બાદ હવે આ લડાઈ ચૂંટણી પંચ અને અદાલતના દરવાજે પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
