News of Sunday, 10th May 2026
AIADMKમાં ભયાનક બળવો: ૩૬ ધારાસભ્યોએ પલાનીસ્વામી સામે મોરચો માંડતા તમિલનાડુના રાજકારણમાં મોટા વિભાજનના એંધાણ
પૂર્વ મંત્રી સી.વી. શનમુગમની આગેવાનીમાં બળવાખોર જૂથે ઇપીએસ પર પક્ષના હિતોના ભોગે વ્યક્તિગત સ્વાર્થ સાધવાનો ગંભીર આરોપ લગાવી ટીવીકે સાથે નવા ગઠબંધનની શક્યતાઓ તેજ કરી

ચેન્નાઈ: તમિલનાડુના રાજકીય ફલક પર વર્ષો જૂની પાર્ટી AIADMKમાં ભંગાણના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. પક્ષના મહાસચિવ એડાપ્પડી કે. પલાનીસ્વામીના એકહથ્થુ શાસન અને ચૂંટણીમાં ધાર્યા પરિણામો ન મળતા પૂર્વ મંત્રી સી.વી. શનમુગમે ૩૬ ધારાસભ્યોને સાથે રાખીને બળવાનું રણશિંગુ ફૂંક્યું છે. આ જૂથે આક્ષેપ કર્યો છે કે પલાનીસ્વામી પક્ષના અસ્તિત્વ કરતા પોતાના અંગત હિતોને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે કાર્યકરો અને નેતાઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. પુડુચેરીના રિસોર્ટથી પરત ફરેલા ધારાસભ્યો સાથેની ગુપ્ત બેઠકો બાદ હવે પાર્ટી બે ભાગમાં વહેંચાઈ જવાની અણી પર છે.
રાજકીય ગરમાવો ત્યારે વધ્યો જ્યારે એવી વિગતો બહાર આવી કે શનમુગમ અને એસ.પી. વેલુમણિએ અભિનેતા વિજયની પાર્ટી 'ટીવીકે' સાથે સત્તાના સમીકરણો બેસાડવા માટે વાતચીત શરૂ કરી છે. ચૂંટણીમાં એઆઈએડીએમકે ત્રીજા નંબરે ધકેલાઈ જતાં પલાનીસ્વામીએ શાસક પક્ષ ડીએમકેનો ટેકો મેળવવાના પ્રયાસો કર્યા હોવાના અહેવાલોએ બળતરામાં ઘી હોમવાનું કામ કર્યું છે. શનમુગમે ઇપીએસ પર મતદારો સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે વિધાનસભા પક્ષના નેતા પદ માટે પોતાનો દાવો રજૂ કરશે અને વિશ્વાસ મત દરમિયાન વિજયની પાર્ટીને સમર્થન આપી શકે છે.
બીજી તરફ, ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિને પણ પોતાના સાથી પક્ષો સાથે એઆઈએડીએમકેના સમર્થન અંગે ચર્ચા કરી હોવાની અટકળોથી રાજ્યમાં ખંડિત જનાદેશ વચ્ચે સત્તાનું મંથન વધુ જટિલ બન્યું છે. વરિષ્ઠ નેતાઓ બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે સોમવારે યોજાનારી બળવાખોર જૂથની પ્રેસ કોન્ફરન્સ પર સમગ્ર દેશની નજર ટકેલી છે. તમિલનાડુમાં દ્રવિડિયન રાજકારણના આ નવા વળાંકથી આગામી દિવસોમાં સરકારના અસ્તિત્વ અને નવા મોરચાના ઉદય પર નિર્ણાયક અસર જોવા મળી શકે છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
