<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ઇબોલાનો પ્રકોપઃ ૨૦ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોનાં મોત...

ભારત, અમેરિકા, ફ્રાન્‍સ, જાપાન અને આફ્રિકન દેશોએ કયા પગલાં લીધાં ?

નવી દિલ્‍હી,તા.૨૫: ઇબોલા વાયરસ આફ્રિકન ખંડમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોંગો (ડીઆરસી) અને યુગાન્‍ડામાં વધતા કેસોને ધ્‍યાનમાં રાખીને, ભારત સરકારે સાવચેતીના પગલા તરીકે કોંગો, યુગાન્‍ડા અને દક્ષિણ સુદાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. કેન્‍દ્ર સરકારે ભારતીય નાગરિકોને આ દેશોમાં બિન-આવશ્‍યક મુસાફરી ટાળવા અપીલ કરી છે.

વિદેશ મંત્રાલય અને આરોગ્‍ય મંત્રાલયની સંયુક્‍ત સલાહ મુજબ, આ ત્રણ દેશોમાંથી પરત ફરતા અથવા ત્‍યાંથી પસાર થતા મુસાફરોએ ૨૧ દિવસ સુધી તેમના સ્‍વાસ્‍થ્‍યનું નિરીક્ષણ કરવું જોઈએ.

જો તાવ, નબળાઇ, માથાનો દુખાવો, સ્‍નાયુઓમાં દુખાવો, ઉલટી, ઝાડા, ગળામાં દુખાવો અથવા રક્‍તષાવ જેવા લક્ષણો દેખાય, તો તેઓએ તાત્‍કાલિક એરપોર્ટ હેલ્‍થ ડેસ્‍ક અથવા નજીકના ડોક્‍ટરનો સંપર્ક કરવો જોઈએ. મુસાફરોએ ઇમિગ્રેશન પહેલાં આરોગ્‍ય અધિકારીને તેમનો સંપૂર્ણ પ્રવાસ ઇતિહાસ પ્રદાન કરવો જોઈએ.

ભારતમાં 'બુંદીબુગ્‍યો' સ્‍ટ્રેનનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે, કેરળ અને કર્ણાટક પછી, આંધ્રપ્રદેશે પણ એરપોર્ટ સર્વેલન્‍સ શરૂ કર્યું છે. અસરગ્રસ્‍ત દેશોમાંથી આવતા મુસાફરોનું વિશાખાપટ્ટનમ, તિરુપતિ અને વિજયવાડા એરપોર્ટ પર સ્‍ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.

જો લક્ષણો જોવા મળે તો, મુસાફરોને ક્‍વોરેન્‍ટાઇન કરવામાં આવશે. અસરગ્રસ્‍ત શહેરોની હોસ્‍પિટલોમાં ૧૫-૧૫ બેડવાળા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્‍યા છે. વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, કોંગો, યુગાન્‍ડા અને દક્ષિણ સુદાનમાં ભારતીય મૂળના કુલ ૫૮,૫૬૦ લોકો રહે છે.

કોંગોના ઇટુરી પ્રાંતની રાજધાની બુનિયામાં, ઇબોલા હવે માત્ર એક રોગ નથી પરંતુ રોજિદા ભય છે. ૫ મેના રોજ પ્રથમ ચેતવણી પછી માત્ર ૨૦ દિવસમાં ૮૬૭ શંકાસ્‍પદ કેસ અને ૨૦૪ મૃત્‍યુ નોંધાયા છે. સ્‍થાનિક બજારોમાં સેનિટાઇઝર અને જંતુનાશકોની તીવ્ર અછત છે.

સેનિટાઇઝર જે પહેલા ૨,૫૦૦ કોંગોલી ફ્રેંક (આશરે ૮૫ રૂપિયા) ની કિમતના હતા તે હવે ચાર ગણા મોંઘા, ૧૦,૦૦૦ ફ્રેંક (૩૪૦ રૂપિયા) સુધી વેચાઈ રહ્યા છે. માસ્‍કના ભાવ દસ ગણા વધી ગયા છે, અને ઉપલબ્‍ધતા અત્‍યંત મર્યાદિત છે. હોસ્‍પિટલો પર ભારે દબાણ છે, જ્‍યારે તબીબી સંસાધનો અપૂરતા છે. નિષ્‍ણાતો ચિતા કરે છે કે જો વાયરસ ૨૦ મિલિયન વસ્‍તીવાળા ૬૦૦ કિલોમીટર દૂર કિન્‍શાસા સુધી પહોંચે છે, તો પરિસ્‍થિતિ વધુ ગંભીર બની શકે છે.કોંગોમાં ઇબોલા ફાટી નીકળ્‍યા બાદ, યુગાન્‍ડાએ કોંગોલી સરહદ પર જાહેર પરિવહન સ્‍થગિત કરી દીધું છે. રવાન્‍ડાએ વિદેશી મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્‍યો છે, જ્‍યારે ઝામ્‍બિયા અને માલાવીએ એરપોર્ટ અને સરહદ સ્‍ક્રીનીંગમાં વધારો કર્યો છે.યુનાઇટેડ સ્‍ટેટ્‍સે અસરગ્રસ્‍ત દેશોમાંથી આવતા મુસાફરો માટે પ્રવેશ પ્રતિબંધો અને સ્‍ક્રીનીંગ કડક કર્યા છે. ચીને છ મહિનાની કસ્‍ટમ ચેતવણી જારી કરી છે. જાપાને લેવલ ૧ ટ્રાવેલ રિસ્‍ક એલર્ટ જારી કર્યું છે, જ્‍યારે ફ્રાન્‍સે માયોટ ટાપુ પર એરપોર્ટ દેખરેખ અને આઇસોલેશન પગલાં મજબૂત કર્યા છે.

(2:59 PM IST)