તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ઉત્તર પ્રદેશના શાકંભરી સિદ્ધપીઠ ખાતે ભયંકર પૂરથી તબાહી: રાતોરાત દુકાનો અને વાહનો તણાયા, બે મહિલા શ્રદ્ધાળુઓના મોત

સહારનપુર: ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત પ્રસિદ્ધ શાકંભરી દેવી સિદ્ધપીઠ વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે અચાનક આવેલ ભયંકર પૂરે ભારે તબાહી મચાવી છે. શિવાલિકની પહાડીઓમાં વાદળ ફાટવા અને અતિભારે વરસાદને કારણે નદીમાં અચાનક પૂર આવતા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા.
અધિકૃત અહેવાલો અનુસાર, પૂરના ધસમસતા પ્રવાહમાં રાતોરાત પ્રસાદ અને અન્ય સામાનની ડઝનબંધ દુકાનો તણાઈ ગઈ હતી. આ ઉપરાંત શ્રદ્ધાળુઓના ટ્રેક્ટર-ટ્રોલી, કાર અને બાઈક સહિતના અનેક વાહનો પણ પાણીમાં વહી ગયા હતા. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં બે મહિલા શ્રદ્ધાળુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમાંથી એક ૬૫ વર્ષીય વૃદ્ધ મહિલા શ્રદ્ધાળુનું શબ મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર રેતીમાંથી મળી આવ્યું હતું.
પૂરના પ્રવાહને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને જીવ બચાવવા લોકોએ ઊંચાણવાળા વિસ્તારો તરફ દોટ મૂકી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સઘન રીતે ચાલી રહી છે તથા ફસાયેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
