<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મુંબઈના ભુલેશ્વરમાં મુંબાદેવી મંદિર પાસે ભયાનક આગ: ત્રીજા માળે ફસાયેલા ૧૦ લોકો માટે ફાયર બ્રિગેડ બન્યું 'દેવદૂત', ૨ કલાકની ભારે મશક્કત બાદ આગ કાબૂમાં

ઈલેક્ટ્રિક મીટર કેબિનમાં શોર્ટ સર્કિટ બાદ ધુમાડાના ગોટા ઉડ્યા, ગભરાયેલા ૩ લોકો બાજુની ઈમારતમાં કૂદી ગયા પરંતુ ફાયર બ્રિગેડે એરિયલ લેડરથી બચાવી લીધા

મુંબઈ : મુંબઈના સૌથી વ્યસ્ત અને ગીચ વિસ્તાર ગણાતા ભુલેશ્વરમાં આવેલી મુંબાદેવી મંદિર નજીકની એક ચાર માળની ઈમારતમાં શુક્રવારે બપોરે અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાઉન્ડ પ્લસ ફોર (Ground-plus-four) માળ ધરાવતા 'ભૈરુમલ હાઉસ' નામના મકાનમાં બપોરે આશરે ૧:૧૫ વાગ્યે આગ લાગી હતી. ત્રીજા માળે ધુમાડાના ગોટા વચ્ચે ફસાયેલા ૧૦ લોકોને મુંબઈ ફાયર બ્રિગેડના જવાનોએ પોતાની જીવના જોખમે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદનસીબે, સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આ મોટી હોનારતમાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી.

 

ઈલેક્ટ્રિક કેબિનમાંથી ભભૂકી આગ

 

બીએમસી (BMC) ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તરફથી મળેલી માહિતી અનુસાર, આગની શરૂઆત ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈલેક્ટ્રિક મીટર કેબિન અને બે વ્યાવસાયિક એકમો (દુકાનો/ઓફિસો) માંથી થઈ હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વાયરિંગ, લાકડાની સીડી તેમજ પેસેજ સુધી ફેલાઈ ગઈ હતી. લાકડાની સીડી અને વીજ કેબલો બળવાને કારણે આખી ઈમારતમાં કાળોડિબાંગ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે ઉપરના માળે રહેલા લોકો માટે નીચે ઊતરવું અશક્ય બની ગયું હતું.

 

ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન

 

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક વોર્ડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ અને ધુમાડા વચ્ચે ત્રીજા માળે ૭ લોકો કટોકટીની સ્થિતિમાં ફસાયેલા હતા, જેમને ફાયર ફાઈટર્સે સીડી (લેડર) ની મદદથી નીચે ઉતાર્યા હતા.

 

દરમિયાન, ત્રીજા માળે રહેલા અન્ય ત્રણ પુરુષો ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે બાજુમાં આવેલી 'ADN' ઈમારતના ચોથા માળની પેરાપેટ વોલ (બાલ્કનીની દીવાલ) પર પહોંચી ગયા હતા. તેઓ ત્યાં અત્યંત જોખમી સ્થિતિમાં અટવાયા હતા. ફાયર બ્રિગેડે ત્વરિત નિર્ણય લઈને 'એરિયલ લેડર પ્લેટફોર્મ' (હવામાં ઊંચે સુધી પહોંચતી સીડીવાળી વિશેષ ગાડી) નો ઉપયોગ કરી આ ત્રણેય લોકોને પણ સહીસલામત નીચે ઉતારી લીધા હતા.

 

૨ કલાકની ભારે જહમત બાદ આગ કાબૂમાં

 

ફાયર ફાઈટિંગ કામગીરી સુરક્ષિત રીતે થઈ શકે તે માટે 'BEST' ના કર્મચારીઓએ તરત જ વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. ફાયર ફાઈટર્સે ચાર મોટર પંપ, નાની હોઝ લાઈન અને બે ફર્સ્ટ-એઈડ હોઝ લાઈનનો ઉપયોગ કરીને ચોતરફથી પાણીનો મારો ચલાવ્યો હતો.

 

આજુબાજુના બંધ વ્યાવસાયિક એકમોમાં ભરાયેલો ધુમાડો બહાર કાઢવા માટે ફાયર જવાનોએ ચાવીઓ વડે દરવાજા ખોલીને વેન્ટિલેશન સુવિધા ઊભી કરી હતી. આશરે બે કલાકની ભારે જહમત બાદ બપોરે ૨:૪૫ વાગ્યે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મુંબાદેવી મંદિર નજીકના આ ગીચ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

 

(6:17 PM IST)