<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

બંગાળના રાજકારણમાં ભયાનક ભૂકંપ: મમતા બેનર્જી પાસેથી છીનવાઈ શકે છે 'તૃણમૂલ કોંગ્રેસ' નામ : કોર્ટે ઋતબ્રત જૂથને આપી અસલી પક્ષ તરીકે માન્યતા

પ. બંગાળની અલીપોર કોર્ટે ૨૨ જૂને અરૂપ રોયની અધ્યક્ષતામાં બનેલી રાષ્ટ્રીય કારોબારી સમિતિને કાયદેસર જાહેર કરી : પક્ષના નામ, ભંડોળ અને તૃણમૂલ ભવન પરથી મમતા દીદીનો એકહથ્થુ અધિકાર ખતમ થવાના આરે

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછીનો સૌથી મોટો કાનૂની અને રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર સત્તા અને પદ માટે લાંબા સમયથી ચાલી રહેલી ખંડયુદ્ધ જેવી લડાઈમાં કોલકાતાની અલીપોર કોર્ટે એક સનસનાટીભર્યો ચુકાદો આપ્યો છે. પક્ષના અસંતુષ્ટ કાર્યકરો દ્વારા દાખલ કરાયેલા કેસની સુનાવણી કરતા કોર્ટે ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથને બહુ મોટી કાનૂની રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગત ૨૨ જૂને રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક બાદ અરૂપ રોયની અધ્યક્ષતામાં જે નવી સમિતિની રચના થઈ હતી, તે જ તૃણમૂલ કોંગ્રેસની અસલી અને કાયદેસરની કમિટી છે. આ નિર્ણય બાદ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના જૂથને જોરદાર આંચકો લાગ્યો છે.

આ ઐતિહાસિક ચુકાદા બાદ ઉત્સાહમાં આવેલા ઋતબ્રત બેનર્જીએ પત્રકારો સમક્ષ ખુલ્લો પડકાર ફેંકતા દાવો કર્યો છે કે કાયદાની નજરમાં હવે તેમનું જૂથ જ વાસ્તવિક તૃણમૂલ કોંગ્રેસ છે. તેમણે જણાવ્યું કે કોર્ટના આદેશની સત્તાવાર નકલ મળતાની સાથે જ તેને તાત્કાલિક દિલ્હીમાં ચૂંટણી પંચ  સમક્ષ રજૂ કરવામાં આવશે, જેથી પક્ષના ચિન્હ અને સત્તાવાર માન્યતા પર તેમનો દાવો લોખંડી બની જાય. ઋતબ્રતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ નવી સમિતિ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને હવેથી દેશ કે રાજ્યમાં 'તૃણમૂલ કોંગ્રેસ' નામે સંગઠન ચલાવવાનો કે પોતાને પક્ષના પદાધિકારી કહેવડાવવાનો કોઈ કાનૂની અધિકાર રહેતો નથી.

આ વિવાદ માત્ર સત્તા પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે પક્ષની કરોડો રૂપિયાની મિલકતો અને ભંડોળ પર પણ કબજો મેળવવાની કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે. ઋતબ્રત બેનર્જીના જણાવ્યા અનુસાર, અલીપોર કોર્ટના આ આદેશથી હવે અરૂપ રોયની કમિટી પાસે જ પક્ષના તમામ પ્રાદેશિક કાર્યાલયો, બેંક ખાતાઓ અને પક્ષના અધિકૃત ભંડોળનો ઉપયોગ કરવાનો પૂર્ણ હક છે. પક્ષના મુખ્ય મથક એટલે કે મહાનગરમાં આવેલા ભવ્ય 'તૃણમૂલ ભવન' નો ઉપયોગ પણ હવે માત્ર તેમના જ સભ્યો કરી શકશે. જો મમતા બેનર્જીનું જૂથ બળજબરીથી આ ઓફિસો કે નામના ઉપયોગનો પ્રયાસ કરશે, તો તેમની સામે કોર્ટના અનાદર બદલ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ હલચલ બાદ સમગ્ર બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તેવી દહેશત વચ્ચે રાજકીય પંડિતો મમતા દીદીની આગામી રણનીતિ પર નજર રાખીને બેઠા છે.

(11:14 PM IST)