<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

દક્ષિણ કોરિયામાં ભીષણ દુર્ઘટના: એરોસ્પેસ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટથી ૫ કર્મચારીઓના કરૂણ મોત

સફાઈ કામગીરી દરમિયાન સર્જાયો કાળો કહેર: હનવા એરોસ્પેસ પ્લાન્ટમાં લાગેલી આગથી મચ્યો હાહાકાર, રાષ્ટ્રપતિ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ

ડેજેઓન : દક્ષિણ કોરિયાના મધ્ય શહેર ડેજેઓનમાં સોમવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. અહીં આવેલી 'હનવા એરોસ્પેસ ફેક્ટરી' માં એક પ્રચંડ વિસ્ફોટ થતાં ૫ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૨ અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાજ્ય સંચાલિત યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં વિસ્ફોટક સામગ્રીની સફાઈની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો અને ત્યારબાદ આગ લાગી હતી.
દુર્ઘટનાનું ગંભીર સ્વરૂપ
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સ્થળ પર હાજર પાંચ કર્મચારીઓને બચવાની કોઈ તક મળી નહીં. ઘાયલ થયેલા બે કામદારોમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે, જેમના શરીરનો મોટો ભાગ ગંભીર રીતે દાઝી ગયો છે, જ્યારે બીજાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને બચાવ દળો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.
વ્યૂહાત્મક સંરક્ષણ એકમ પર અસર
હનવા એરોસ્પેસની આ સુવિધા દેશના અત્યંત મહત્વના સંરક્ષણ પ્રોજેક્ટ્સ માટે જાણીતી છે. અહીં મોટા પ્રોપલ્શન એન્જિન અને સપાટીથી સપાટી પર પ્રહાર કરતી વ્યૂહાત્મક શસ્ત્ર પ્રણાલીઓનું નિર્માણ થાય છે. આ દુર્ઘટનાને પગલે રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે અત્યંત ગંભીરતા દાખવી છે. તેમણે આ ઘટનાની ત્વરિત અને સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ તમામ સરકારી એજન્સીઓને બચાવ કામગીરી માટે ઉપલબ્ધ તમામ સંસાધનોને કામે લગાડવા નિર્દેશ આપ્યો છે.
કંપનીની માફી અને તપાસમાં સહયોગ
આ દુર્ઘટના બાદ હનવા ગ્રુપે સત્તાવાર નિવેદન જારી કરીને ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોની માફી માંગી છે. કંપનીએ ખાતરી આપી છે કે વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે તેઓ તંત્રને સંપૂર્ણ તપાસમાં સહયોગ આપશે. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને ફેક્ટરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા ઘટનાસ્થળને સીલ કરીને ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે.

(8:35 PM IST)