તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ઝારખંડમાં ભયંકર અકસ્માતઃ ટ્રક સાથે કાર અથડાતાં કેબિનેટ મંત્રી દીપિકા પાંડેની પુત્રી સહિત ૪ના મોત
પોલીસ તથા રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળેઃ મંત્રીમંડળમાં શોકની લાગણી ફરીવળી

નવી દિલ્હી, તા.૨૪: ઝારખંડના જમશેદપુર જિલ્લાના દોમુહાની વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જ્યાં મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થવાથી ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં મળત્યુ પામનારાઓમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી પણ સામેલ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેના પરખચ્ચા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ તથા રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ આઘાતજનક અકસ્માતના સમાચાર સામે આવતા જ ઝારખંડના રાજકીય અને સામાજિક બેડામાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. મંત્રીના પરિવાર અને સ્વજનોએ આ દુઃખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારી સહિતના અનેક અગ્રણીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને તેને અત્યંત પીડાદાયક ગણાવી છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે આ ગંભીર અકસ્માત કઈ પરિસ્થિતિઓમાં સર્જાયો હતો અને તેના માટે જવાબદાર પરિબળો કયા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ રાંચીમાં જેપીએસસી-જેએસએસસીના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન મંત્રી દીપિકા પાંડે સિંહે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને વિદ્યાર્થીઓના લોકશાહી અધિકારોનું સમર્થન કરતા વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી. તેમણે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કે બળપ્રયોગ ન કરવા ભાર મૂકયો હતો તેમજ ૧૭ ઓગસ્ટે રાંચી સદર હોસ્પિટલ પહોંચીને વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોના ઉપવાસ પણ પુરા કરાવ્યા હતા. હાલ અચાનક સર્જાયેલી આ કુટુંબિક દુર્ઘટનાને કારણે સમગ્ર રાજકીય વર્તુળમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
