તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 16th July 2026
ડિજિટલ ફ્રોડ અને ડેટા લીકનું ટેન્શન હવે કાયમ માટે ખતમ: આરબીઆઈએ બેંકો માટે ઘડ્યા ડેટા ગવર્નન્સના લોખંડી નિયમો, ગ્રાહકોની મંજૂરી વિના વિગતો શેર નહીં થાય
ઓક્ટોબર ૨૦૨૬ થી લાગુ થઈ રહેલા ડીપીડીપી એક્ટ અંતર્ગત આરબીઆઈએ બેંકિંગ સિસ્ટમ માટે તૈયાર કર્યો નવો ડ્રાફ્ટ; ગ્રાહકોના નામ, સરનામા અને વ્યવહારની વિગતો વધુ સુરક્ષિત બનશે

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડ અને સાયબર ગુનાઓ પર લગામ લગાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક અત્યંત મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. દેશની નાણાકીય સિસ્ટમને વધુ મજબૂત અને લોખંડી બનાવવા માટે આરબીઆઈએ તમામ બેંકો, એનબીએફસી (NBFC), કો-ઓપરેટિવ બેંકો અને અન્ય વિનિયમિત નાણાકીય સંસ્થાઓમાં ગ્રાહકોના ડેટા મેનેજમેન્ટને વધુ સુરક્ષિત કરવા માટે 'ડેટા ગવર્નન્સ માટેની દિશાનિર્દેશો' (Guidelines for Data Governance) નો નવો મુસદ્દો (ડ્રાફ્ટ) જાહેર કર્યો છે.
આ નવા નિયમોનો મુખ્ય હેતુ ગ્રાહકોના ડેટાને માત્ર એક વ્યાપારી સંપત્તિ (Asset) તરીકે જોવાનો નથી, પરંતુ બેંકોને ગ્રાહકોની અંગત માહિતી પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો છે.
ડેટાની સુરક્ષા માટે 'થ્રી-ટાયર' વ્યવસ્થા અને એસએસઓટી મોડલ
નવા ડ્રાફ્ટ ફ્રેમવર્ક (DGF) અંતર્ગત દરેક બેંક અને નાણાકીય સંસ્થાએ પોતાની જરૂરિયાત મુજબ એક મજબૂત આંતરિક સુરક્ષા માળખું તૈયાર કરવું પડશે, જેમાં ત્રણ સ્તર પર અધિકારીઓની સ્પષ્ટ ભૂમિકા નક્કી કરવામાં આવી છે:
૧. ડેટા ઓનર: જે ડેટાની સંપૂર્ણ જવાબદારી અને તેની ગુણવત્તા માટે ઉત્તરદાયી રહેશે.
૨. ડેટા સ્ટેવર્ડ: જે બેંકમાં રોજબરોજની સુરક્ષા અને ડેટાના નિયમોનું પાલન કરાવશે.
૩. ડેટા કસ્ટોડિયન: જે તકનીકી સુરક્ષા, એક્સેસ કંટ્રોલ અને સ્ટોરેજ સિસ્ટમનું સંચાલન સંભાળશે.
આ ઉપરાંત, તમામ સંસ્થાઓ માટે 'સિંગલ સોર્સ ઓફ ટ્રુથ' (SSOT) મોડલ ફરજિયાત કરાશે. એટલે કે ગ્રાહકના કેવાઈસી (KYC) અને ટ્રાન્ઝેક્શન માટે એક જ સત્તાવાર ડિજિટલ સ્ત્રોત રહેશે, જેથી અલગ-અલગ સિસ્ટમમાં ડેટા મેચ ન થવાની કે ડેટામાં છેડછાડ થવાની ભૂલો સાવ નહિવત થઈ જશે.
થર્ડ પાર્ટી અને લોન પ્રોસેસિંગના નિયમો વધુ કડક બનશે
આરબીઆઈની નવી વ્યવસ્થામાં થર્ડ પાર્ટી (બહારની કંપનીઓ) સાથે ડેટા શેરિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ જેવી કડકાઈ લાવવામાં આવી છે. ગ્રાહકની સ્પષ્ટ મંજૂરી વિના તેમનો ડેટા કોઈને પણ આપી શકાશે નહીં. ડેટા જનરેટ થવાથી લઈને તેના ઉપયોગ, સ્ટોરેજ અને અંતમાં તેના સુરક્ષિત નિકાલ (ડિલીશન) સુધીના સમગ્ર જીવનચક્ર પર આકરી નજર રાખવામાં આવશે.
આગામી ઓક્ટોબર, ૨૦૨૬ થી દેશમાં કડક રીતે લાગુ થઈ રહેલા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ, ૨૦૨૩ ના તમામ નિયમોનું બેંકોએ અક્ષરસઃ પાલન કરવું પડશે.
સામાન્ય ગ્રાહકોને આનાથી શું ફાયદો થશે?
· શ્રેષ્ઠ પ્રાઇવેસી: ગ્રાહકોના નામ, ઘર કે ઓફિસનું સરનામું, ફોન નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી સંપૂર્ણપણે લોક થઈ જશે, જેથી ડેટા લીક કે ડાર્ક વેબ પર વેચાવાનો ખતરો સમાપ્ત થશે.
· ઝડપી બેંકિંગ સેવાઓ: ડેટા એક જ જગ્યાએ સુરક્ષિત હોવાથી લોન અપ્રુવલ, ક્રેડિટ કાર્ડ ઈશ્યુન્સ અને કેવાઈસી અપડેટમાં થતી ટેકનિકલ ભૂલો બંધ થશે અને સેવાઓ વધુ વિશ્વસનીય બનશે.
· ફ્રોડથી મુક્તિ: નાણાકીય છેતરપિંડી અને ઓનલાઈન ફર્જીવાડાના કિસ્સાઓમાં મોટો ઘટાડો જોવા મળશે, જેથી ગ્રાહકો કોઈ પણ પ્રકારના ભય વિના ડિજિટલ બેંકિંગનો લાભ લઈ શકશે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
