<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગથી શ્રીનગર જઈ રહેલી પ્રવાસીઓની ટેમ્પો ટ્રાવેલર કંગન વિસ્તારમાં ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી: સુરત અને અમદાવાદના આઠની સ્થિતિ ગંભીર: કુલ ૧૮ પ્રવાસીઓ ઘાયલ

ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ અને પંજાબના પ્રવાસીઓ અકસ્માતનો ભોગ : છથી આઠની હાલત ગંભીર: શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર

શ્રીનગર, તા. ૧૧ : જમ્મુ-કાશ્મીરના જાણીતા પ્રવાસન સ્થળ સોનમર્ગ નજીક મંગળવારે સાંજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સોનમર્ગથી શ્રીનગર તરફ આવી રહેલી પ્રવાસીઓની ટેમ્પો ટ્રાવેલર ગાંદરબલ જિલ્લાના કંગન વિસ્તારમાં ગુંડ સુમ્બલ પાવર હાઉસ પાસે માર્ગ પરથી ઉતરી આશરે ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. સુરત અને અમદાવાદના છ થી આઠ મુસાફરોની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે.

 

અકસ્મતમાં ડ્રાઇવર સહિત કુલ ૧૮ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઈજાગ્રસ્તોને શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

ઈજાગ્રસ્તોમાં અમદાવાદના શારદાબેન, રમેશભાઈ, શોભાબેન અને રાજેશકુમાર તથા સુરતની દયશાનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના ત્રણ ઘોષ પરિવારજનો અને પંજાબના ડ્રાઇવરનો પણ ઈજાગ્રસ્તોમાં સમાવેશ થાય છે.

 

પ્રાથમિક અહેવાલમાં વાહનની વધુ પડતી ઝડપની શક્યતા દર્શાવાઈ છે, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવાની સૂચના આપી છે.

(9:37 AM IST)