તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
ટેલિગ્રામ બન્યું ગુનેગારોનો અડ્ડો : સરકારે હાઇકોર્ટમાં ગણાવ્યું "નવું ડાર્ક વેબ": NEET પેપર લીક, આતંકવાદી પ્રચાર, ડ્રગ્સની હેરાફેરી અને નાગરિકોના આધાર-મોબાઈલ ડેટાની ચોરીનું કેન્દ્ર બનેલી એપ સામે કાર્યવાહી
અનામી ઓળખ અને અતિ-ગોપનીય ફીચર્સના કારણે સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બનેલી આ મેસેજિંગ એપ પર પ્રતિબંધના વાદળો

નવી દિલ્હી: ડિજિટલ કમ્યુનિકેશનના ક્ષેત્રે એક અત્યંત સનસનાટીભર્યા અહેવાલ સામે આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં સત્તાવાર સોગંદનામું દાખલ કરીને લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને "નવું ડાર્ક વેબ" (ઇન્ટરનેટની ગુપ્ત કાલી દુનિયા) જાહેર કરી દીધું છે. કાયદા અમલીકરણ અને સુરક્ષા એજન્સીઓ માટે આ એપ એક રાષ્ટ્રીય સુરક્ષા ખતરો બની ચૂકી છે, કારણ કે ગુનેગારો, આતંકવાદી પ્રચારકો અને સાયબર ઠગો તેનો ઉપયોગ સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે કરી રહ્યા છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના આંકડાઓ ટાંકીને સરકારે ખુલાસો કર્યો છે કે આ એપ પર સાયબર છેતરપિંડી અને દેશની અતિ-મહત્વની NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચિંતાજનક હદે વધી ગઈ છે, જે દેશની સુરક્ષા વ્યવસ્થાને સીધો પડકાર ફેંકી રહી છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, ટેલિગ્રામમાં મળતી અનલિમિટેડ પ્રાઇવસી અને 'અનામી' (એનોનિમિટી) રહેવાના ફિચર્સ જ હવે દેશ માટે વિપત્તિ સાબિત થઈ રહ્યા છે, જેમાં યૂઝર્સ પોતાના ફોન નંબર અને આઇડી સેકન્ડોમાં છુપાવી શકે છે. ગુનાહિત નેટવર્ક્સ આ આઇડેન્ટિટી હાઇડિંગ ટૂલ્સ તરફ તીવ્રતાથી આકર્ષાયા છે, જેના કારણે તપાસ એજન્સીઓ માટે ગુનેગારોના મૂળ સુધી પહોંચવું અને તેમની વાસ્તવિક ઓળખ પ્રસ્થાપિત કરવી અશક્ય બની રહી છે. આ ઉપરાંત, ટેલિગ્રામના એડવાન્સ્ડ 'બોટ્સ' નાગરિકોની સંવેદનશીલ અને વ્યક્તિગત વિગતો, જેમ કે મોબાઈલ નંબર અને સરકારી ઓળખપત્રોના અગાઉ લીક થયેલા ડેટાબેઝને ખુલ્લેઆમ વેચવા અથવા તેની એક્સેસ આપવાનું ખતરનાક માધ્યમ બની ગયા છે.
આ ડિજિટલ આપત્તિ માત્ર સાયબર સુરક્ષા પૂરતી સીમિત નથી, પરંતુ દેશના આર્થિક અને સર્જનાત્મક જગતને પણ ખોખલું કરી રહી છે. સરકારે સોગંદનામામાં કડક શબ્દોમાં નોંધ્યું છે કે કેટલીક ઝેરીલી એન્ડ્રોઇડ એપ્સ ટેલિગ્રામને પોતાનું કમાન્ડ-એન્ડ-કંટ્રોલ પ્લેટફોર્મ બનાવીને યુઝર્સના ફોનમાંથી ગુપ્ત માહિતીની ચોરી કરી રહી છે, તેમજ ગૂગલ પ્લે પ્રોટેક્ટને બાયપાસ કરવાના હથિયારો પૂરા પાડે છે. આ સાથે જ, પ્લેટફોર્મ પર કરોડો રૂપિયાના બજેટવાળી નવી ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય કોપીરાઇટ સામગ્રીની વ્યાપક પાયરેસી કરીને કન્ટેન્ટ ક્રિએટર્સને મોટું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેના કારણે બૌદ્ધિક સંપદાના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે અને દેશમાં આ એપ પર સંપૂર્ણ સર્જિકલ સ્ટ્રાઈક અથવા કાયમી પ્રતિબંધ મૂકવાની દિશામાં મંથન તેજ બન્યું છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
