<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ટેલિગ્રામ પર પ્રતિબંધનો વિવાદ દિલ્હી હાઈકોર્ટમાં: NEET પેપર લીક અને ડમી પ્રશ્નપત્રોના ફેલાવા વચ્ચે સરકાર વિરુદ્ધ મેસેજિંગ એપ આમને-સામને

NEET-UG પુનઃપરીક્ષા પૂર્વે કેન્દ્ર સરકારના કામચલાઉ પ્રતિબંધને ટેલિગ્રામે પડકાર્યો; 15 કરોડથી વધુ ભારતીય વપરાશકર્તાઓને અસર થતી હોવાનો CEO પાવેલ દુરોવનો દાવો.

નવી દિલ્હી : NEET-UG જેવી દેશની મહત્વપૂર્ણ પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ હવે કોર્ટના દરવાજે પહોંચ્યો છે. આગામી 21 જૂને યોજાનારી NEET-UG પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ટેલિગ્રામ પ્લેટફોર્મ પર જે અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે, તેને ટેલિગ્રામ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચ સમક્ષ આ મામલાની તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવશે, જે સમગ્ર પરીક્ષા પ્રક્રિયા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહે આ કડક પગલાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, NEET પરીક્ષાના નામે નકલી પ્રશ્નપત્રો ફેલાવીને વિદ્યાર્થીઓને છેતરવાનો મોટો ખેલ ચાલી રહ્યો હતો. છેતરપિંડી કરનારાઓ વિદ્યાર્થીઓની ચિંતાનો લાભ લઈ પૈસા પડાવતા હતા, જેને રોકવા માટે NTA દ્વારા ટેલિગ્રામ સાથે મળીને 200 થી વધુ શંકાસ્પદ ચેનલો બ્લોક કરવાના પ્રયાસો થયા હતા. તેમ છતાં, આ ખોટા પ્રચાર અને છેતરપિંડીના વ્યાપને જોતા સરકારને પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી.

બીજી તરફ, ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે ભારત સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મુઠ્ઠીભર લોકોની ગેરરીતિ માટે ભારતના 15 કરોડથી વધુ સામાન્ય વપરાશકર્તાઓને સજા આપવી યોગ્ય નથી. તેમણે દાવો કર્યો છે કે આ પ્રતિબંધથી લીક થતી સામગ્રી અટકી નથી, પરંતુ તે અન્ય એપ્લિકેશનો પર ફેલાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ યોજાયેલી પરીક્ષામાં પેપર લીક થવાની ઘટના બાદ NTA એ પરીક્ષા રદ કરી હતી. આ કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. હવે સૌની નજર દિલ્હી હાઈકોર્ટના ચુકાદા પર છે કે શું પરીક્ષાના હિતમાં ટેલિગ્રામ પરનો પ્રતિબંધ યથાવત રહેશે કે પછી લાખો વિદ્યાર્થીઓ માટે આ પ્લેટફોર્મ ફરી ખુલ્લું મુકાશે?

(5:39 PM IST)