તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
શિક્ષણ ક્ષેત્રે તેલંગાણા સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે IAS-IPS ની જેમ સરકારી શિક્ષકો પણ જ્ઞાનવર્ધન માટે દર વર્ષે જશે વિદેશ અભ્યાસ પ્રવાસે, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની મોટી જાહેરાત!
સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને વંચિત બાળકોને વિશ્વસ્તરીય શિક્ષણ પૂરું પાડવા અને શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી તેલંગાણા સરકારે શિક્ષકો માટે વૈશ્વિક એક્સપોઝર યોજનાની જાહેરાત કરી છે.

હૈદરાબાદ | તા.31: તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રે એક ક્રાંતિકારી અને અભૂતપૂર્વ જાહેરાત કરી છે. ફિનલેન્ડ અને જર્મનીના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓ સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જેમ આઈએએસ (IAS) અને આઈપીએસ (IPS) અધિકારીઓને વહીવટી ક્ષમતા વધારવા માટે વિદેશ મોકલવામાં આવે છે, તેવી જ રીતે હવેથી સરકારી શાળાઓના શિક્ષકોને પણ શિક્ષણમાં નવીનતમ પદ્ધતિઓ શીખવા માટે દર વર્ષે વિદેશી અભ્યાસ પ્રવાસ (ફોરેન સ્ટડી ટૂર) પર મોકલવામાં આવશે. આ યોજનાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણય રાજકારણ કે વોટબેંક માટે નહીં, પરંતુ ગરીબ બાળકોને ગુણવત્તાયુક્ત અને વિશ્વસ્તરીય શિક્ષણ આપવાના પવિત્ર હેતુથી લેવામાં આવ્યો છે. તેમણે સરકારી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક ધોરણો મુજબ મોડેલ સંસ્થાઓમાં બદલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ માટે તેમણે અધિકારીઓને ડિસેમ્બર સુધીમાં આગામી શૈક્ષણિક વર્ષનો આખો પ્લાન તૈયાર કરી અહેવાલ સોંપવા આદેશ આપ્યો છે. તેલંગાણા સરકાર હાલમાં દરેક વિદ્યાર્થી પર વાર્ષિક રૂ. 1.08 લાખ ખર્ચ કરી રહી છે, જેનો મુખ્ય ધ્યેય સરકારી શિક્ષણ પ્રણાલી પર જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો છે.
શિક્ષણ અને સુધારા પર ભાર: મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સાચું પછાતપણું સંપત્તિનું નહીં પરંતુ શિક્ષણનો અભાવ છે. જર્મની, જાપાન અને સિંગાપોર જેવા દેશોના શૈક્ષણિક મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેલંગાણાને દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે એક 'રોલ મોડેલ' રાજ્ય બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ સાથે જ તેમણે નહેરુ અને પી.વી. નરસિંહ રાવ જેવા દિગ્ગજ નેતાઓના શૈક્ષણિક વિઝનને યાદ કરીને રાજ્યના તમામ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવા અને શાળાઓમાં મધ્યાહન ભોજન તથા નાસ્તાની સુવિધા સુધારવા સહિતના મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
