<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

તેલંગણા સરકારે તમામ મંત્રીઓના પગારમાં ૫૦ ટકાનો કાપ મૂક્‍યો

મંત્રીઓનો પગાર કાપવામાં હિમાચલ બાદ વધુ એક રાજ્‍ય સામેલ : કર્મચારીઓના પગાર, પેન્‍શનના ખર્ચનો બોજ ઓછો કરવા મંત્રીઓએ સ્‍વેચ્‍છાએ આ નિર્ણય લીધોઃ તેલંગણા સરકાર

 

હૈદરાબાદ,તા.૨૫: તેલંગણા સરકારે નિવૃત્ત કર્મચારીઓના પેન્‍શન વગેરે સહાયના ખર્ચને પહોંચી વળવા માટે મંત્રીઓના પગારમાં ૫૦ ટકાનો કાપ મુકી દીધો છે. ૧૦૦ દિવસમાં નાણાકીય અડચણોનો અંત લાવવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ જ પ્રકારનો નિર્ણય અગાઉ હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા લેવામાં આવ્‍યો હતો. હિમાચલ પ્રદેશે મુખ્‍યમંત્રી અને તેના કેબિનેટમાં સામેલ તમામના પગારમાં કાપ મુક્‍યો હતો.

મુખ્‍યમંત્રી રેવંત રેડ્ડીની આગેવાનીમાં, કેબિનેટની યોજાયેલી બેઠક બાદ પબ્‍લિક રિલેશન મંત્રી પોંગુલેતી શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું હતું કે રાજ્‍યના તમામ મંત્રીઓએ સ્‍વેચ્‍છાએ જ પોતાનો પગાર જતો કરવાનો નિર્ણય લીધો હતો, જેને પગલે હવેથી તેલંગાણા રાજ્‍યના તમામ મંત્રીઓના પગારમાં ૫૦ ટકાનો કાપ મુકવામાં આવશે. આ નિર્ણયથી નિવૃત્ત કર્મચારીઓનો પગાર લાભાર્થીઓને મદદના ખર્ચને પહોંચીવળવામાં મદદરૂપ થશે. નિવૃત્ત થવાની વય મર્યાદા વધારવાને કારણે નિવૃત્તિમાં મળતા લાભોના વિતરણમાં પણ વિલંબ થયો છે.

જેને કારણે તેઓ ઘણી મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે. એવામાં કેબિનેટને લાગી રહ્યું છે કે આ કર્મચારીઓને વધુ મુશ્‍કેલીનો સામનો કરવા ના છોડી દેવાય. એક રિપોર્ટ મુજબ સેવા આપી રહેલા કર્મચારીઓને ૬૨૦૦ કરોડ, નિવૃત્ત સ્‍ટાફને ૮૦૦૦ કરોડ રૂપિયા આપવાના બાકી છે.

રાજ્‍યના સિચાઈ મંત્રી એન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું હતું કે કેબિનેટે નિર્ણય લીધો છે કે તેલંગાણાની વર્તમાન કોંગ્રેસ સરકાર અગાઉની બીઆરએસ સરકાર દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા સીબીઆઈને પત્ર લખવામાં આવશે.

(10:07 AM IST)