News of Saturday, 11th April 2026
બિહારના રાજકારણમાં તેજસ્વી યાદવનો મોટો ધડાકો: “જાદુ-મંત્રથી ચાલે છે આ સરકાર, નીતિશ કુમારને મજબૂરીમાં રાજ્યસભા મોકલાયા!”
નવા મુખ્યમંત્રીના સસ્પેન્સ વચ્ચે તેજસ્વી યાદવના આકરા તેવર: બિહારમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોવાનો આક્ષેપ, સત્તાધારી પક્ષોને માત્ર ‘ખુરશી’માં જ રસ હોવાનો લગાવ્યો ગંભીર આરોપ

પટણા: બિહારમાં મુખ્યમંત્રી બદલાવાની અટકળો વચ્ચે આરજેડી નેતા તેજસ્વી યાદવે સરકારને બરાબરની આડે હાથ લીધી છે. પટણામાં એક કાર્યક્રમમાં જતા સમયે પત્રકારો સાથેની વાતચીતમાં તેજસ્વીએ નીતિશ કુમાર અને વર્તમાન ગઠબંધન સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, બિહારમાં અત્યારે શાસન જેવું કંઈ રહ્યું જ નથી. તેમણે કટાક્ષ કર્યો કે આ સરકાર લોકોના જનાદેશથી નહીં પરંતુ ‘જાદુ અને મંત્ર’ દ્વારા બનાવવામાં આવી છે.
નીતિશ કુમાર વિશે ચોંકાવનારો દાવો
તેજસ્વી યાદવે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર અંગે કડક નિવેદન આપતા કહ્યું કે, “હું લાંબા સમયથી કહેતો હતો કે નીતિશજીને મુખ્યમંત્રી પદ પર રહેવા દેવામાં આવશે નહીં અને આજે એ જ થઈ રહ્યું છે. તેમની ભૂમિકાને મર્યાદિત કરી દેવામાં આવી છે અને તેમને તેમની ઈચ્છા વિરુદ્ધ રાજ્યસભામાં મોકલી દેવામાં આવ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે જેડીયુના નેતાઓએ કદાચ સીબીઆઈ, ઈડીના ડરથી અથવા કોઈ લોભમાં આવીને આ સમાધાન સ્વીકારી લીધું છે.
બિહારમાં શાસન વ્યવસ્થા ઠપ્પ?
રાજ્યની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેજસ્વીએ જણાવ્યું કે, બિહારમાં એક પણ નક્કર નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. કહેવાતી ‘ડબલ એન્જિન’ સરકારમાં હજુ સુધી કેબિનેટની બેઠકો પણ યોજાઈ રહી નથી. રાજ્યમાં હત્યાઓ અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે, હોસ્પિટલોમાં દવાનો અભાવ છે અને શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે, પરંતુ સત્તામાં બેઠેલા લોકોને માત્ર એ જ ચિંતા છે કે આગામી મુખ્યમંત્રી કોણ બનશે અને કોને કઈ ખુરશી મળશે.
ખેડૂતો અને જનતાની અવગણના
તેજસ્વીએ સરકારની નિષ્ક્રિયતા પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યમાં ખેડૂતો પરેશાન છે, કુદરતી આફતોને કારણે પાકનો નાશ થઈ રહ્યો છે, પરંતુ સરકાર પાસે આ સમસ્યાઓના ઉકેલ માટે કોઈ સમય નથી. જેડીયુમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને નિશાંત કુમાર અંગેની અટકળો પર તેમણે કહ્યું કે, તેમને કોણ શું બનશે તેની ચિંતા નથી, તેમના માટે સૌથી મહત્વની બાબત લોકોનું કલ્યાણ અને રાજ્યનો વિકાસ છે.
બિહારના રાજકારણમાં અત્યારે ભારે અસ્થિરતાનો માહોલ છે. એક તરફ એનડીએ નવા મુખ્યમંત્રીના ચહેરાની શોધમાં છે, તો બીજી તરફ તેજસ્વી યાદવે સરકારની ‘નિષ્ફળતા’ને જનતા સમક્ષ લાવીને આગામી રાજકીય જંગ માટે રણશિંગુ ફૂંકી દીધું છે. હવે જોવું રહ્યું કે બિહારની આ ‘જાદુઈ’ સરકાર નવા નેતૃત્વ હેઠળ કેવી રીતે આગળ વધશે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
