<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

તેજસ્વી યુરોપ ટૂરમાં મસ્ત : બિહારમાં RJD અંદરોઅંદર લડવામાં વ્યસ્ત!

બાંકીપુર પેટાચૂંટણી પહેલા લાલુ પરિવારમાં જ ભડકો: ટિકિટ વિતરણ અને નેતાઓની હકાલપટ્ટી મામલે રોહિણી આચાર્યએ પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામે બળવો પોકાર્યો

પટના: બિહારની હાઇ-પ્રોફાઇલ બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળ માં ભયંકર આંતરિક સત્તાયુદ્ધ શરૂ થઈ ગયું છે. એકતરફ પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી યાદવ આ નાજુક સમયે યુરોપના પ્રવાસે ઉપડી ગયા છે, તો બીજી તરફ બિહારમાં પક્ષ પત્તાના મહેલની જેમ વિખેરાઈ રહ્યો છે. RJD એ બાંકીપુરથી રેખા ગુપ્તાને ઉમેદવાર બનાવતા જ વરિષ્ઠ નેતાઓએ બળવો કર્યો છે; સાંસદ સુરેન્દ્ર યાદવે જાહેરમાં કહી દીધું કે તેઓ ઉમેદવારને ઓળખતા પણ નથી, જ્યારે તેજ પ્રતાપ યાદવની પાર્ટી 'જેજેડી' એ વીણા માનવીને મેદાનમાં ઉતારી RJD ની પરંપરાગત વોટબેંકમાં મોટું ગાબડું પાડી દીધું છે.

આ આંતરિક વિખવાદમાં સૌથી મોટો બ્લાસ્ટ લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કર્યો છે. સારણના પ્રવક્તા હરેલાલ યાદવની હકાલપટ્ટીથી નારાજ રોહિણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ખુલ્લેઆમ મોરચો ખોલી દીધો છે. તેમણે સંજય યાદવ, સુનિલ સિંહ અને રમીઝ જેવા પક્ષના શક્તિશાળી નેતાઓ પર સીધો પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે આ ત્રિપુટી પાર્ટીને ઉધઈની જેમ નબળી પાડી રહી છે. રોહિણીએ આક્રમક મૂડમાં ચેતવણી આપી છે કે તેઓ લાલુની દીકરી છે અને પાયાના વફાદાર કાર્યકરો પર થતા અન્યાય સામે ક્યારેય ઝૂકશે નહીં.

પાર્ટીની આ આબરૂના ધજાગરા ત્યારે વધુ ઉડ્યા જ્યારે RJD ના ૩૦મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન સ્ટેજ પર જ નેતાઓ બાખડી પડ્યા હતા. નાલંદામાં રાજ્ય પ્રવક્તા શક્તિ સિંહ યાદવ અને કલ્લુ મુખિયા વચ્ચે જાહેરમાં થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થતાં જૂથવાદ ચરમસીમાએ હોવાનું સાબિત થયું છે. એકબાજુ ભાજપે અભિષેક સિંહા બંટીને ઉતાર્યા છે અને બીજી બાજુ પ્રશાંત કિશોરની 'જન સૂરજ' જોરશોરથી લડી રહી છે, ત્યારે તેજસ્વીની ગેરહાજરીમાં RJD નો આ ઘરઆંગણાનો કળણ તેને ચૂંટણીમાં ભારે પડી શકે તેમ છે.

(6:16 PM IST)