તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
તેજ પ્રતાપ યાદવે જનશક્તિ જનતા દળમાં પ્રિયા સિંહ વત્સને સોંપી મોટી જવાબદારી: રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે કરી નિમણૂક
મુકેશ સાહનીની VIP પાર્ટી અને શ્રી રાજપૂત કરણી સેના સાથે ધરાવે છે ખાસ કનેક્શન: બિહારના રાજકારણમાં નવો યુવા ચહેરો છવાયો

પટના : બિહારના પૂર્વ મંત્રી અને જનશક્તિ જનતા દળ (JJD) ના રાષ્ટ્રીય પ્રમુખ તેજ પ્રતાપ યાદવે પાર્ટીના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા માટે એક મહત્વનો રાજકીય દાવ ખેલ્યો છે. તેમણે તાજેતરમાં જ પાર્ટીમાં જોડાયેલા યુવા મહિલા નેતા અને જાણીતા સામાજિક કાર્યકર પ્રિયા સિંહ વત્સને જનશક્તિ જનતા દળના 'રાષ્ટ્રીય પ્રવક્તા' તરીકે નિયુક્ત કર્યા છે. તેજ પ્રતાપ યાદવે જાતે આ નિમણૂકની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રિયા સિંહના સંગઠનાત્મક અનુભવ, વાક્પટુતા અને પાર્ટી પ્રત્યેના સમર્પણથી JJD ને નવી ઉર્જા અને એક નવી દિશા મળશે.
પ્રિયા સિંહ વત્સ મૂળ પટનાના રહેવાસી છે અને રાજપૂત સમુદાયમાંથી આવે છે. JJD માં જોડાતા પહેલા તેઓ લાંબા સમય સુધી ભૂતપૂર્વ મંત્રી મુકેશ સાહનીની 'વિકાસશીલ ઇન્સાન પાર્ટી' (VIP) માં સક્રિય હતા અને પાર્ટીના પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ગયા વર્ષે યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે VIP માટે વ્યાપક પ્રચાર કર્યો હતો અને ચૂંટણી સભાઓમાં મુકેશ સાહની સાથે મંચ શેર કરતા જોવા મળ્યા હતા.
શ્રી રાજપૂત કરણી સેના અને સામાજિક કલ્યાણ સાથે જોડાણ
રાજકીય ઓળખ ઉપરાંત, પ્રિયા સિંહ વત્સ 'શ્રી રાજપૂત કરણી સેના' ના મહિલા રાજ્ય અધ્યક્ષ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓ સામાજિક મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવવા માટે જાણીતા છે. ભોજપુર જિલ્લાના બિલૌટી ગામમાં થયેલા ચર્ચાસ્પદ ભરત તિવારી એન્કાઉન્ટર કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે તેમણે દિલ્હીના જંતર મંતર પર ધરણાં પણ કર્યા હતા. આ સિવાય તેઓ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને બિહારના રાજકારણમાં એક મજબૂત યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
