તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
પટણામાં શિક્ષક ઉમેદવારો પર લાઠીચાર્જઃ પોલીસે દોડાવીને માર માર્યો
TRE-૪ ભરતી પ્રક્રિયામાં સતત થતા વિલંબ અને BPSC ના ખોટા હજારો યુવાનોએ કલેક્ટર કચેરી તરફ કૂચ કરી

પટણા, તા.૮: બિહારની રાજધાની પટણા આજે ફરી એકવાર આંદોલન અને લોહીના ડાઘાનું સાક્ષી બન્યું છે. TRE-૪ (શિક્ષક ભરતી પરીક્ષા) ની સત્તાવાર જાહેરાતમાં થતા અસહ્ય વિલંબ સામે અવાજ ઉઠાવવા નીકળેલા હજારો શિક્ષક ઉમેદવારો પર પોલીસે અચાનક લાઠીચાર્જ કરી દીધો હતો. પટણા કોલેજથી શરૂ થયેલી આ કૂચ જેવી જેપી ગોલામ્બર પાસે પહોંચી, ત્યારે સુરક્ષાકર્મીઓએ લોખંડી બેરિકેડિંગ કરી તેમને રોકયા હતા. પરંતુ, ભવિષ્યની ચિંતામાં ડૂબેલા ઉમેદવારોએ જ્યારે આગળ વધવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે માત્ર લાઠીઓ જ ન ફટકારી પરંતુ ગલીઓમાં પીછો કરી-કરીને ઉમેદવારોને માર માર્યો હતો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
ઉમેદવારોનો આક્રોશ માત્ર સરકાર સામે જ નહીં, પરંતુ બિહાર પબ્લિક સર્વિસ કમિશનના પરીક્ષા નિયંત્રક સામે પણ છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ૧૬ એપ્રિલે સત્તાવાર રીતે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ૩-૪ દિવસમાં નોટિફિકેશન આવી જશે અને એપ્રિલના અંત સુધીમાં ફોર્મ ભરાવવાનું શરૂ થશે. જોકે, ૮ મે સુધી સરકાર મૌન રહી, જેના કારણે ગરીબ ઘરના દીકરા-દીકરીઓ, જેઓ પોતાની જમીન ગીરવે મૂકીને કે વ્યાજે પૈસા લાવીને પટણામાં રહી તૈયારી કરે છે, તેમની ધીરજ ખૂટી ગઈ છે. ૪૬,૫૯૫ શિક્ષક પદોની ભરતી પ્રક્રિયા જાણે ફાઇલોમાં જ અટવાઈ ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
આ ઘટનાએ બિહારના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. એકતરફ સરકાર વાર્ષિક કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર ૨૦૨૬ માં પરીક્ષા યોજવાની વાત કરે છે, તો બીજી તરફ મે મહિના સુધી પ્રાથમિક જાહેરાત પણ બહાર પાડી શકી નથી. લાઠીચાર્જમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓએ હોસ્પિટલના બિછાનેથી પણ હુંકાર કર્યો છે કે, સરકાર લાઠીઓથી અવાજ દબાવી શકે છે, પણ ન્યાયની ભૂખને નહીં. હવે જોવાનું એ રહેશે કે આ લોહિયાળ સંઘર્ષ બાદ નીતીશ સરકાર ભરતી પ્રક્રિયા ઝડપી બનાવે છે કે પછી વિદ્યાર્થીઓનો આ આક્રોશ આગામી સમયમાં કોઈ મોટા આંદોલનનું સ્વરૂપ લેશે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
