તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 22nd June 2026
ટાટા મોટર્સને ગ્રાહક ફોરમનો મોટો ફટકો: ટાટા હેરિયર કારમાં મેન્યુફેક્ચરિંગ ખામી બદલ નવી ગાડી આપવા અથવા વ્યાજ સાથે રૂ. ૨૧.૪૦ લાખ ચૂકવવા ઐતિહાસિક આદેશ
પ્રીમિયમ કાર ખરીદનાર ગ્રાહક વારંવાર ગેરેજના ચક્કર કાપે તે અપેક્ષિત નથી, કંપની સેવામાં ખામી અને ગેરવાજબી વ્યાપારી રીતરસમ માટે દોષિત: રૂ. ૧.૧૫ લાખનું વળતર અને કેસનો ખર્ચ પણ ચૂકવવો પડશે

ધર્મશાલા/કાંગડા: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ કમિશને ઓટોમોબાઈલ ક્ષેત્રની અગ્રણી કંપની ટાટા મોટર્સને સેવામાં ગંભીર ખામી અને ગેરવાજબી વ્યાપારી રીતરસમ બદલ કડક ફટકાર લગાવી છે. ગ્રાહક આયોગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ટાટા મોટર્સને આદેશ આપ્યો છે કે તેઓ કાં તો ગ્રાહકને ખામી રહિત નવી ટાટા હેરિયર એસયુવી (SUV) કાર આપે અથવા ખરીદ કિંમતના પૂરેપૂરા રૂ. ૨૧,૪૦,૭૭૫ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે પરત ચૂકવે. આ કેસમાં કમિશને સ્પષ્ટ કર્યું છે કે પ્રીમિયમ વાહન ખરીદ્યા પછી ગ્રાહકે માનસિક અને શારીરિક સતામણી ભોગવવી પડે તે સાંખી શકાય નહીં.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડૉ. કૃષ્ણ લાલ કપૂર નામના ગ્રાહકે વર્ષ ૨૦૨૨માં ટાટા મોટર્સની પ્રીમિયમ શ્રેણીની 'ટાટા હેરિયર XZA+ ડાર્ક એડિશન' ગાડી ખરીદી હતી. જો કે, આ મોંઘીદાટ કાર ખરીદ્યાના શરૂઆતના દિવસોથી જ તેમાં સ્ટીયરિંગ અને ટાઈમિંગ બેલ્ટ સંબંધિત ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવવા લાગી હતી. આ ખામીઓના કારણે વાહન ચલાવતી વખતે ગંભીર જોખમ ઊભું થતું હતું. ઓગસ્ટ ૨૦૨૩ અને માર્ચ ૨૦૨૪ દરમિયાન ગાડીનો ટાઈમિંગ બેલ્ટ અચાનક તૂટી જવાને કારણે કાર અધવચ્ચે જ રસ્તા પર બંધ પડી ગઈ હતી, જેના લીધે ગ્રાહક અને તેમના પરિવારને કલાકો સુધી રઝળપાટ કરવો પડ્યો હતો અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ મામલે ગ્રાહકે વારંવાર કંપનીમાં રજૂઆત કરવા છતાં કાયમી ઉકેલ ન આવતા આખરે ન્યાય માટે કાંગડા જિલ્લા ગ્રાહક કમિશનના દ્વાર ખખડાવ્યા હતા. સુનાવણી દરમિયાન ટાટા મોટર્સે પોતાની બચાવમાં એવી દલીલ કરી હતી કે ગાડીમાં કોઈ મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન ગત) ખામી નથી અને વારંવાર થયેલી તમામ મરામતની કામગીરી ગ્રાહક પાસેથી કોઈ પણ ચાર્જ લીધા વિના વોરંટી હેઠળ મફતમાં કરી આપવામાં આવી છે.
જો કે, ગ્રાહક આયોગે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓનું બારીકાઈથી અવલોકન કર્યા બાદ કંપનીના બચાવને ફગાવી દીધો હતો. કમિશને નોંધ્યું હતું કે ગાડીની ટાઈમિંગ બ્રેકેટ એસેમ્બલીમાં માળખાકીય ખામી (મિસઅલાઈનમેન્ટ) હતી, જે વાહનની અંદર રહેલી મૂળભૂત ઉત્પાદન ખામી (ઇનહેરન્ટ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ) સાબિત કરે છે.
ગ્રાહક મંચે ચુકાદો સંભળાવતા સખત શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ગ્રાહક લાખો રૂપિયા ખર્ચીને પ્રીમિયમ શ્રેણીનું વાહન ખરીદે છે, ત્યારે તે એવી અપેક્ષા રાખે છે કે તેને આરામદાયક મુસાફરી મળશે, નહીં કે તે વારંવાર સર્વિસ સેન્ટર અને વર્કશોપના ધક્કા ખાતો રહે. આ પ્રકારની ખામીયુક્ત ગાડી વેચવી એ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ છે.
ગ્રાહક આયોગે ડૉ. કૃષ્ણ લાલ કપૂરની ફરિયાદને ગ્રાહ્ય રાખીને કંપનીને વાહન બદલી આપવા અથવા વ્યાજ સહિત પૂરી રકમ ચૂકવવાના આદેશની સાથે ગ્રાહકને થયેલી માનસિક સતામણીના વળતર પેટે રૂ. ૧,૦૦,૦૦૦ અને કાનૂની લડતના ખર્ચ પેટે રૂ. ૧૫,૦૦૦ અલગથી ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
