<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ટાટા મોટર્સનો મોટો દાવ: ઈવેકો હસ્તગત કરવા માટેનો ઓફર ભાવ વધારીને શૅરદીઠ ૧૪.૪૦ યુરો કર્યો

મંજૂરીઓ મળવામાં વિલંબ થતાં ટાટા મોટર્સે વધારી કેશ ઓફર; ઈવેકોના બોર્ડે સોદાને સમર્થન આપી શૅરધારકોને ટેન્ડર ઑફર સ્વીકારવા કરી ભલામણ

નવી દિલ્હી : વિશ્વની અગ્રણી વાણિજ્યિક વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ દ્વારા ઇટાલિયન ટ્રક ઉત્પાદક કંપની 'ઇવેકો ગ્રૂપ એનવી' (Iveco Group NV) ના હસ્તાંતરણ મામલે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ઓથોરાઈઝેશન અને કાનૂની મંજૂરીઓની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં રાખીને, ટાટા મોટર્સે આ હસ્તાંતરણ માટેની ઓફર કિંમતમાં પ્રતિ શૅર ૦.૩૦ યુરોનો વધારો કર્યો છે. આ સુધારા બાદ હવે નવો ઓફર ભાવ શૅરદીઠ ૧૪.૪૦ યુરો નિર્ધારિત કરવામાં આવ્યો છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫માં ટાટા મોટર્સ દ્વારા પોતાની પેટાકંપની ટીએમએલ સીવી હોલ્ડિંગ પીટીઈ લિ. મારફતે સંરક્ષણ વેપાર સિવાયના ઇવેકો જૂથને ૩.૮ અબજ યુરો (અંદાજે રૂ. ૩૮,૨૪૦ કરોડ) માં હસ્તગત કરવાની મોટી યોજના જાહેર કરવામાં આવી હતી. અગાઉ કંપનીએ શૅરદીઠ ૧૪.૧૦ યુરોની ઓફર કરી હતી, જેનું કુલ મૂલ્ય ૩.૮૨ અબજ યુરો આંકવામાં આવ્યું હતું. ગત સપ્ટેમ્બરમાં ઇવેકોના તમામ સામાન્ય શૅર માટે સંપૂર્ણ રોકડ આધારિત સ્વૈચ્છિક ટેન્ડર ઑફર શરૂ કરવામાં આવી હતી.

 

આ ટેન્ડર ઑફર સ્વીકારવાનો સમયગાળો ૭ સપ્ટેમ્બરથી ૨૬ ઑક્ટોબર, ૨૦૨૬ સુધીનો રાખવામાં આવ્યો છે. ઇવેકો જૂથના શૅરધારકો આગામી ૧૬ ઑક્ટોબરના રોજ યોજાનારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) માં આ સંબંધિત પ્રસ્તાવ અને ઠરાવો પર મતદાન કરશે. ઇવેકોના બોર્ડ ઑફ ડિરેક્ટરોએ સર્વસંમતિથી આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે અને શૅરધારકોને પોતાના શૅર ઑફર કરવા તથા તરફેણમાં મતદાન કરવા ભલામણ કરી છે.

 

ટાટા મોટર્સે એક્સચેન્જને કરેલા ફાઈલિંગમાં સ્પષ્ટ કર્યું છે કે અગાઉની કિંમત વાજબી હોવા છતાં મંજૂરીઓમાં વિલંબ થવાને કારણે ભાવ વધારવામાં આવ્યો છે. જો ઇવેકોના તમામ ૨૭.૧૨ કરોડ સામાન્ય શૅર ઑફર કરવામાં આવે, તો આ સુધારેલી કિંમત મુજબ સોદાનું કુલ મૂલ્ય વધીને ૩.૯૧ અબજ યુરો થશે. આ વધારાના ૮.૫ કરોડ યુરોનું પે-આઉટ એમયુએફજી બૅન્ક લિ. ગિફ્ટ બ્રાન્ચની ક્રેડિટ ફેસિલિટીમાંથી પૂરું પાડવામાં આવશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ સુધારેલી ઑફરમાં હવે પછીથી કોઈ વધુ ફેરફાર કે વધારો કરવામાં આવશે નહીં.

 

(8:13 PM IST)