<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

પ્રાઇવેટ હોસ્‍પિટલમાં દર્દીઓને દાખલ કરવાના ટાર્ગેટ અપાય છે?

ICU એક્‍સપર્ટે ખુલાસો કરીને નોકરી છોડીઃ વીડિયો વાયરલ : કોર્પોરેટ હોસ્‍પિટલોમાં ડોક્‍ટરો પર દર્દીઓને દાખલ કરવા માટે દબાણ કરવામાં આ વેછેઃ આવો આક્ષેપ આઈસીયુ (ICU)ના એક નિષ્‍ણાત ડોક્‍ટરે કર્યો

નવી દિલ્‍હી,તા.૨૦: હોસ્‍પિટલનું નામ સાંભળતાં જ મનમાં ડોક્‍ટર અને દર્દીની સારવારનો વિચાર આવે છે. આપણે માનતા હોઈએ છીએ કે, આપણને જે બીમારી કે સમસ્‍યા છે તેની યોગ્‍ય સારવાર કરવામાં આવશે. જોકે, સોશિયલ મીડિયા ICU નિષ્‍ણાત ડો. મહેશ ખન્નાએ એક ખૂબ જ ગંભીર આરોપ લગાવ્‍યો છે. તેમણે પોતાના અનુભવનો વીડિયો શેર કરીને જણાવ્‍યું કે, એક દર્દીને કોઈ મોટી સમસ્‍યા નહોતી. એટલે તેમણે તેને હોસ્‍પિટલમાં દાખલ કર્યા નહોતા. જોકે, આ વાત પર હોસ્‍પિટલના ડિરેક્‍ટરે તેમને ઠપકો આપ્‍યો હતો. આ ઘટના બાદ તેમણે નોકરી છોડી દીધી હતી. આ વીડિયો સામે આવ્‍યા બાદ સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ છે.

ડો. મહેશ ખન્ના ના જણાવ્‍યા અનુસાર, કેટલીક કોર્પોરેટ હોસ્‍પિટલોમાં ડોક્‍ટરો પર વધુમાં વધુ દર્દીઓને દાખલ કરવાનું દબાણ હોય છે. તેમના કહેવા પ્રમાણે, ડોક્‍ટરોને દર્દીઓની ભરતી સાથે જોડાયેલા ટાર્ગેટ પણ આપવામાં આવે છે. આવી સ્‍થિતિમાં દર્દીની સારવારની જરૂરિયાત અને હોસ્‍પિટલ મેનેજમેન્‍ટની અપેક્ષાઓ વચ્‍ચે ડોક્‍ટરો મુશ્‍કેલીમાં મુકાય છે.

ડો. મહેશે એક પ્રાઇવેટ હોસ્‍પિટલમાં નોકરી દરમિયાન બનેલી ઘટના જણાવી હતી. તેમના જણાવ્‍યા અનુસાર, એક રાત્રે પેટમાં હળવા દુખાવાની ફરિયાદ સાથે દર્દી આવ્‍યો હતો. તપાસમાં તેને એક્‍યુટ ડાયેરિયા હોવાનું જાણવા મળ્‍યું હતું. ગેસ્‍ટ્રોઇન્‍ટેસ્‍ટાઇનલ નિષ્‍ણાતની સલાહ લીધા બાદ દર્દીને દવા આપીને રજા આપવામાં આવી હતી. ડોક્‍ટરના મતે, દર્દીની સ્‍થિતિ એવી નહોતી કે તેને હોસ્‍પિટલમાં દાખલ કરવાની જરૂર પડે. તેની આર્થિક સ્‍થિતિ પણ સારી ન હોવાથી બિનજરૂરી ખર્ચ કરાવવો યોગ્‍ય નહોતો.

ડો. મહેશે જણાવ્‍યું કે, બીજા દિવસે હોસ્‍પિટલના ડિરેક્‍ટરે તેમને બોલાવીને દર્દીને દાખલ કેમ ન કર્યો તેવો સવાલ કર્યો હતો. ડોક્‍ટરે દર્દીની સ્‍થિતિ સમજાવી, પરંતુ ડિરેક્‍ટરે કથિત રીતે કહ્યું કે, દર્દીઓને દાખલ નહીં કરવામાં આવે તો હોસ્‍પિટલ અને ડોક્‍ટરોની કમાણી કેવી રીતે થશે? આ વાતથી નારાજ થઈને ડો. મહેશે નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાનું ઈમાન વેચીને કામ કરી શકતા નથી.

ડોક્‍ટરનો આ વીડિયો સામે આવ્‍યા બાદ ખાનગી હોસ્‍પિટલોની કાર્યપ્રણાલી અને દર્દીઓના હિત અંગે ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ ડો. મહેશનો વ્‍યક્‍તિગત અનુભવ અને તેમનો દાવો છે. તેના આધારે તમામ ખાનગી હોસ્‍પિટલો અંગે એકસરખો નિષ્‍કર્ષ કાઢી શકાય નહીં. તેમ છતાં, દર્દીને હોસ્‍પિટલમાં દાખલ કરવાનો નિર્ણય તેની તબીબી જરૂરિયાતના આધારે જ લેવાવો જોઈએ કે નહીં તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્‍યો છે.

(10:21 AM IST)