<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

તમિલનાડુમાં 'થલાપતિ' વિજયના રાજ્યાભિષેક ટાણે વંદે માતરમનો ગુંજ્યો નાદ: રાષ્ટ્રીય ગીતને રાષ્ટ્રગીત સમાન કાનૂની દરજ્જો આપવાની કેન્દ્રની તૈયારી

ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ પૂર્વે વગાડવામાં આવ્યું વંદે માતરમ: અપમાન કરનારાઓને થશે ત્રણ વર્ષ સુધીની જેલ, નવી સરકારના શપથમાં પરંપરાગત ક્રમમાં ફેરફાર કરીને રાષ્ટ્રભક્તિનો અનોખો સંદેશ અપાયો

ચેન્નાઈ : દક્ષિણ ભારતના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચતા રવિવાર, ૧૦ મેના રોજ સી. જોસેફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં તમિલગા વેત્રી કઝગમ (TVK) ની પ્રથમ સરકારની વિધિવત શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમની સૌથી વિશેષ બાબત એ રહી કે રાષ્ટ્રગીત 'જન ગણ મન' પૂર્વે 'વંદે માતરમ' વગાડવામાં આવ્યું હતું, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે વંદે માતરમને રાષ્ટ્રગીત સમાન દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ આ ઘટનાનું મહત્વ વધી ગયું છે.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા કાયદા મુજબ, હવે વંદે માતરમનું અપમાન કરનાર કે તેમાં વિક્ષેપ પાડનાર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અથવા દંડની જોગવાઈ કરવામાં આવશે. વારંવાર ગુના કરનારાઓ માટે લઘુત્તમ એક વર્ષની કડક સજા નિર્ધારિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સફળતા બાદ આ કાનૂની દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, ગત ૯ મેના રોજ કોલકાતામાં સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમયે વંદે માતરમ વગાડવામાં આવ્યું નહોતું, પરંતુ વિજયના કાર્યક્રમમાં આ રાષ્ટ્રીય ગાનનો પડઘો પડતા રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા છેડાઈ છે.

રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે રાહુલ ગાંધી, વિજયના માતા-પિતા અને અભિનેત્રી ત્રિશા કૃષ્ણનની હાજરીમાં વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળના નવ અન્ય નેતાઓ જેમાં એસ. કીર્થના, એન. આનંદ અને આધવ અર્જુન જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે, તેમણે પણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. શપથ વિધિ પૂર્વે વંદે માતરમ, ત્યારબાદ રાષ્ટ્રગીત અને અંતે તમિલ થાઈ વઝ્થુ વગાડીને નવી સરકારે પ્રાદેશિક ગૌરવ સાથે રાષ્ટ્રભક્તિનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે.

(1:04 PM IST)