News of Friday, 8th May 2026
તમિલનાડુના રાજકીય ભૂકંપથી દિલ્હીમાં પણ ભડકો: DMK એ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, સંસદમાં અલગ બેસવા માટે સાંસદ કનિમોઝીએ સ્પીકરને લખ્યો પત્ર
વિજયની પાર્ટી TVK ને કોંગ્રેસે ટેકો આપતા 'હાથ' અને 'ઉદય સૂર્ય' વચ્ચે દાયકાઓ જૂની મિત્રતાનો અંત: તમિલનાડુમાં સત્તા ગુમાવ્યા બાદ હવે કેન્દ્રમાં પણ વિપક્ષી ગઠબંધનમાં પડ્યું મોટું ગાબડું

નવી દિલ્હી: તા.૦૮ તમિલનાડુમાં સત્તાના સમીકરણો બદલાતા જ રાષ્ટ્રીય સ્તરે પણ ગઠબંધનના તાણાવાણા વિખેરાઈ ગયા છે. દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકરને પત્ર લખીને ગૃહમાં તેમની પાર્ટીના સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આ પત્ર સાથે જ DMK એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે કોંગ્રેસ સાથે તેમનું ગઠબંધન સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે અને તેઓ સંસદમાં કોંગ્રેસના સાંસદો સાથે બેસવા તૈયાર નથી.
આ વિવાદનું મુખ્ય કારણ તમિલનાડુ વિધાનસભાની તાજેતરની ચૂંટણીઓ છે. આ ચૂંટણીમાં અભિનેતા વિજયની નવી પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ ૧૦૭ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા બાદ કોંગ્રેસે વર્ષો જૂના સાથી પક્ષ DMK ને પડતો મૂકીને વિજયની પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસના આ 'દગા' થી નારાજ થઈને DMK એ હવે કેન્દ્રમાં પણ વિપક્ષી ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
કનિમોઝીએ સ્પીકરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં DMK અને કોંગ્રેસ હવે સાથે નથી, તેથી લોકસભામાં પક્ષની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવવા માટે તેમના માટે અલગ બ્લોકની ફાળવણી કરવી જરૂરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પીકર કાર્યાલય આ વિનંતી પર વિચાર કરી રહ્યું છે. તમિલનાડુમાં જે રીતે પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પડી છે, તેનાથી આવનારા સમયમાં દક્ષિણ ભારતના રાજકારણમાં એક નવો વળાંક જોવા મળશે તે ચોક્કસ છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
