News of Tuesday, 12th May 2026
તમિલનાડુના રાજકારણમાં ગરમાવો: વિજયની પાર્ટી TVK સુપ્રીમ કોર્ટના દ્વારે, ધારાસભ્ય પરના પ્રતિબંધ સામે 'સુપરસ્ટાર' મુખ્યમંત્રીની આરપારની લડાઈ!
વિશ્વાસ મત પહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા: માત્ર એક મતના અંતરની જીત અને પોસ્ટલ બેલેટમાં ગેરરીતિના આરોપો - મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતા અભિષેક મનુ સિંઘવી કરશે ધારદાર દલીલો, આવતીકાલે સુનાવણી

નવી દિલ્હી : દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની આગેવાની હેઠળની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) અત્યારે કાયદાકીય જંગના મેદાનમાં ઉતરી છે. મદ્રાસ હાઈકોર્ટે TVK ના ધારાસભ્ય શ્રીનિવાસ સેતુપતિને આગામી વિધાનસભા વિશ્વાસ મતમાં ભાગ લેવાથી રોકવાનો જે આદેશ આપ્યો છે, તેને પડકારતા વિજયની પાર્ટીએ આજે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. આ મામલો તમિલનાડુ સરકારની સ્થિરતા અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સાથે જોડાયેલો હોવાથી સમગ્ર દેશની નજર તેના પર ટકેલી છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત તિરુપત્તુર મતવિસ્તારના ચૂંટણી પરિણામોથી થઈ હતી. અહેવાલો મુજબ, TVK ના ઉમેદવાર શ્રીનિવાસ સેતુપતિએ અહીં માત્ર એક મતના નજીવા અંતરથી જીત મેળવી હતી. આ જીતને DMK ના પૂર્વ મંત્રી પેરિયાકરુપ્પને પડકારી છે. તેમનો આરોપ છે કે પોસ્ટલ બેલેટ (ટપાલ મત) ની ગણતરીમાં ભારે અનિયમિતતા આચરવામાં આવી છે. અરજીમાં એવો પણ દાવો કરાયો છે કે એક મતવિસ્તારના મતો બીજા મતવિસ્તારમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.
હાઈકોર્ટનું આકરૂ વલણ
મદ્રાસ હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન પેરિયાકરુપ્પન દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ગણ્યા હતા. કોર્ટે વચગાળાના આદેશમાં શ્રીનિવાસ સેતુપતિને વિધાનસભાના વિશ્વાસ મતમાં મતદાન કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત, કોર્ટે તમામ પોસ્ટલ બેલેટ અને ગણતરી સમયના વીડિયો ફૂટેજને સુરક્ષિત રાખવાનો આદેશ આપીને મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.
સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની બેન્ચ સમક્ષ આ અરજીનો ઉલ્લેખ કર્યો હતો. ટીવીકેની દલીલ છે કે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે કોઈ જ ગેરરીતિ થઈ નથી અને નિયમો મુજબ મત ગણતરી બાદ આવી ફરિયાદો ગ્રાહ્ય રાખવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલે આવતીકાલે, ૧૩ મે ના રોજ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.
રાજકીય ગણિત પર અસર
તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ મત પહેલા એક એક ધારાસભ્યનો મત કિંમતી છે. જો શ્રીનિવાસ સેતુપતિ મતદાન કરી શકશે નહીં, તો મુખ્યમંત્રી વિજય માટે વિશ્વાસ મત જીતવો વધુ પડકારજનક બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપે છે કે નહીં, જેના પર વિજય સરકારનું ભવિષ્ય નિર્ભર છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
