<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

તમિલનાડુમાં દારૂની દરેક બોટલ પર ૧૦ રૂપિયાનો 'ગ્રીન સેસ' લાગુ: ખાલી બોટલ પરત કરવા પર મળશે રિફંડ

​પેહલી નવેમ્બરથી તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા નવો આર્થિક નિયમ લાગુ; ડિજિટલ પેમેન્ટ માટે પણ મોટો ફેરફાર

​ચેન્નઈ:દેશના તમિલનાડુ રાજ્યમાં દારૂના શોખીનો માટે ખિસ્સા ખાલી કરનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દારૂના વેચાણ પર એક નવો પર્યાવરણ અને સામાજિક કલ્યાણ ઉપકર (Environmental and Social Welfare Cess) લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ હવેથી દારૂની દરેક બોટલ ખરીદતી વખતે ગ્રાહકોએ વધારાના ૧૦ રૂપિયા ચૂકવવા પડશે. આ નવો નિયમ આજથી (૧લી નવેમ્બર, રવિવારથી) સમગ્ર રાજ્યમાં અમલમાં આવી ગયો છે.

​સરકારી ચોપડે હિસાબ રાખવા માટે નવો નિર્ણય

અગાઉ ખાલી બોટલ પરત કરવાની યોજના અંતર્ગત અલગથી ૧૦ રૂપિયા લેવામાં આવતા હતા, જેનો સરકારી રેકોર્ડમાં યોગ્ય હિસાબ ન રહેતો હોવાથી સરકારે તેને હવે સીધા 'એમઆરપી' (MRP) અને એન્વાયર્નમેન્ટ સેસ સાથે જોડી દીધો છે. આ ફેરફારથી તમામ પ્રકારની બિયર, વાઈન, વિદેશી દારૂ તેમજ આયાતી દારૂની બોટલો ૧૦ રૂપિયા મોંઘી થઈ ગઈ છે. ટાસ્માક (TASMAC) ના મેનેજમેન્ટ દ્વારા આ અંગે સ્પષ્ટ આદેશ જારી કરવામાં આવ્યા છે કે તમામ ઉત્પાદકો અને વિતરકોએ સુધારેલી કિંમતના લેબલ લગાવવાના રહેશે.

​ખાલી બોટલ પરત કરવા પર મળશે પૂરા પૈસા પાછા

સરકારના આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની જાળવણી અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. રાહતની વાત એ છે કે જો ગ્રાહકો દારૂની ખાલી બોટલ કોઈપણ ટાસ્માક આઉટલેટ પર પરત કરશે, તો તેમને વધારાના ચૂકવેલા ૧૦ રૂપિયા પાછા (રિફંડ) મળી જશે.

​ડિજિટલ પેમેન્ટ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ ફેરફાર

આ સાથે જ રાજ્ય સરકારે લેવડદેવડમાં પારદર્શિતા લાવવા માટે ડિજિટલ પેમેન્ટના નિયમો પણ કડક બનાવ્યા છે. હવેથી ૧,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના દારૂની ખરીદી કરવા પર ડિજિટલ પેમેન્ટ (ઓનલાઈન ચૂકવણી) ફરજિયાત કરી દેવામાં આવી છે. સરકારના આ પગલાથી રાજ્યની તિજોરીમાં પારદર્શિતા વધવાની સાથે પર્યાવરણીય જાગૃતિને પણ વેગ મળશે તેવી અપેક્ષા છે.

(3:13 PM IST)