News of Monday, 3rd August 2026
કાવેરી જળ વિવાદમાં તામિલનાડુ સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટે: કર્ણાટક પર પૂરતું પાણી ન છોડવાનો આરોપ, ૨૭ ટીએમસી પાણી મેળવવા ફાઇલ કરી અરજી
મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના આદેશથી તામિલનાડુએ સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા: કાવેરી ડેમોમાં પૂરતો જળસંચય હોવા છતાં યોગ્ય હિસ્સો ન આપવાનો આક્ષેપ.

નવી દિલ્હી : દક્ષિણ ભારતના બે મુખ્ય રાજ્યો કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે દાયકાઓ જૂનો કાવેરી નદીના પાણીની વહેંચણીનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. તામિલનાડુ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કર્ણાટક પર તેના હિસ્સાનું કાવેરી જળ ન છોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તામિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નિર્દેશ અને વરિષ્ઠ વકીલોની સલાહ બાદ આ અરજી ફાઇલ કરવામાં આવી છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટ માસની શરૂઆતમાં કર્ણાટકના ચાર મુખ્ય જળાશયો — કૃષ્ણા રાજા સાગર (KRS), કબીની, હરાંગી અને હેમાવતીમાં મળીને કુલ ૭૭.૫૩૭ ટીએમસી (TMC) જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તાજેતરમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે કેઆરએસ અને કબીની ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે, જેના પગલે તામિલનાડુને તેના હિસ્સાનું ૨૬.૯૫૪ ટીએમસી પાણી મળવું જોઈએ.
જોકે, તામિલનાડુ સરકારે આરોપ લગાવ્યો છે કે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) દ્વારા આપવામાં આવેલો ૪.૫૩૬ ટીએમસી પાણીનો આદેશ અત્યંત ઓછો છે અને કર્ણાટક આ મર્યાદિત જથ્થો પણ સમયસર છોડવામાં નિષ્ફળ રહ્યું છે.
તાજેતરમાં જ CWMA એ કાવેરી વોટર રેગ્યુલેશન કમિટીની ભલામણને માન્ય રાખીને કર્ણાટકને આગામી ૧૫ દિવસ સુધી પ્રતિદિન ૩,૫૦૦ ક્યુસેક પાણી તામિલનાડુ માટે છોડવા નિર્દેશ આપ્યો હતો. પરંતુ તામિલનાડુ સરકારનું કહેવું છે કે આટલું પાણી તેમના રાજ્યના ખેડૂતો અને સિંચાઈ જરૂરિયાતો માટે અપૂરતું છે. વર્ષ ૨૦૧૮ માં સુપ્રીમ કોર્ટના આદેશથી બનેલી સીડબલ્યુએમએ તામિલનાડુ, કર્ણાટક, કેરળ અને પુડુચેરી વચ્ચે પાણીની વહેંચણીનું નિરીક્ષણ કરે છે. સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા આ નવા કાનૂની જંગ પર હવે દેશભરની નજર મંડાયેલી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
