તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
તમિલનાડુ સરકાર અંગ્રેજોના જમાનાના ઐતિહાસિક ફોર્ટ સેન્ટ જોર્જમાંથી સચિવાલય અને વિધાનસભાને વિશાળ નવા સંકુલમાં ટ્રાન્સફર કરવા આતુર: વહીવટી સરળતા, જગ્યાની અછત અને આધુનિક સુવિધાઓ માટે નવું કમ્પસ બનાવવાની વિચારણા પ્રક્રિયા તેજ બનિ
ચેન્નાઈમાં દાયકાઓ જૂના ઐતિહાસિક કિલ્લા પરિસરમાં ટ્રાફિક, જગ્યાની તંગી અને વધતા વાહનોને કારણે કામગીરીમાં પડતી અડચણો દૂર કરવા માટે પટ્ટિનાપક્કમ, નંદમબક્કમ, કોયમ્બેડુ અને ગિન્ડી જેવા ચાર મુખ્ય વિસ્તારોમાં એકીકૃત વહીવટી સંકુલ ઊભું કરવાની તૈયારીઓ શરૂ કરાઈ

ચેન્નાઈ : તમિલનાડુ સરકાર રાજ્યના વહીવટી તંત્રમાં મોટો દૂરોગામી ફેરફાર કરવા માટે બ્રિટિશ કાળના ઐતિહાસિક 'ફોર્ટ સેન્ટ જોર્જ' પરિસરમાંથી રાજ્યના મુખ્ય વહીવટી મથક એવા સચિવાલય અને વિધાનસભાને એક વિશાળ તેમજ અત્યાધુનિક નવા કેમ્પસમાં સ્થાનાંતરિત કરવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. દાયકાઓથી રાજ્ય શાસનની ઓળખ સમાન રહેલા કિલ્લામાં સ્થળની ભારે અછત, આધુનિક સગવડોનો અભાવ અને સુરક્ષાત્મક તથા ટ્રાફિક સંબંધિત જટિલતાઓને કારણે વહીવટી કામગીરી પર પડી રહેલી અસરને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય તરફ કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે.
વર્તમાન સચિવાલય પરિસર તરીકે વપરાતો ફોર્ટ સેન્ટ જોર્જ એ ઐતિહાસિક ઈમારત હોવાના કારણે ત્યાં નવું બાંધકામ કરવા કે માળખાકીય ફેરફાર કરવા પર કાયદાકીય મર્યાદાઓ છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં આવતા મુલાકાતીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રોટોકોલ ધરાવતા મહાનુભાવોના વાહનોના પાર્કિંગ માટે કિલ્લાની અંદર પૂરતી જગ્યા ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, વિદેશી પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ અને રાજદ્વારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકો માટે જરૂરી એવા વિશાળ કોન્ફરન્સ હોલ, અત્યાધુનિક ડિજિટલ સેટઅપ અને યોગ્ય રૂમની તંગી સતત અનુભવાઈ રહી છે.
વહીવટી સુગમતા વધારવા માટે હાલમાં જ મુખ્યમંત્રી કાર્યાલય અને અમુક સરકારી વિભાગોને સચિવાલય કમ્પાઉન્ડમાં આવેલી ૧૦ માળની 'નામક્કલ કવિગ્નાઈ માલિગાઈ' ઈમારતના ઉપલા માળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, માત્ર કાર્યાલયનું આંતરિક સ્થાનાંતરણ કરવાથી કાયમી ઉકેલ આવતો ન હોવાથી સમગ્ર સચિવાલય અને વિધાનસભા માટે એક જ જગ્યાએ સંપૂર્ણ સંકલિત (Integrated) નવું પરિસર તૈયાર કરવા સરકારે યોજના બનાવી છે.
નવા સુસજ્જ સચિવાલય સંકુલના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મુખ્ય સ્થળોની પસંદગી પર વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં પટ્ટિનાપક્કમ, નંદમબક્કમ, કોયમ્બેડુ અને ગિન્ડી સ્થિત હાઈવે ડિપાર્ટમેન્ટની જમીનનો સમાવેશ થાય છે. આ નવા ગ્રીન અને સ્માર્ટ કેમ્પસમાં તમામ સરકારી વિભાગો, સચિવોના ક્ષેત્રો, સલાહકારોના કક્ષો અને વિધાનસભા ગૃહ એક જ છત નીચે લાવવાનો પ્લાન છે, જેથી સરકારી યોજનાઓ અને ફાઈલોની કામગીરીમાં ઝડપ લાવી શકાય.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
