તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ભારતના મોટા બંદરોના ખાનગીકરણની વાતો માત્ર અફવા: છેલ્લા ૧૦ વર્ષમાં એક પણ મેજર પોર્ટ ખાનગી હાથોમાં સોંપાયું નથી, માલિકી સરકાર પાસે જ અક્ષુણ્ણ!
લેન્ડલોર્ડ પોર્ટ મોડેલ અને PPP મોડથી બંદરોના આધુનિકીકરણને મળ્યો નવો વેગ: નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં બંદરોની આવક રૂ. ૨૬,૫૮૨ કરોડથી વધુ નોંધાઈ

નવી દિલ્હી : દેશના મોટા બંદરોના ખાનગીકરણ અંગે ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાઓ પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે મંગળવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે છેલ્લા ૧૦ વર્ષમાં દેશના એક પણ મુખ્ય (મેજર) બંદરનું ખાનગીકરણ કરવામાં આવ્યું નથી. જમીન અને તમામ મુખ્ય બંદર સંપત્તિઓની માલિકી સંપૂર્ણપણે ભારત સરકાર પાસે જ સુરક્ષિત છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે સરકાર બંદરોના ટર્મિનલના વિકાસ, સંચાલન અને આધુનિકીકરણ માટે જાહેર-ખાનગી ભાગીદારી એટલે કે PPP (Public-Private Partnership) મોડ અને 'લેન્ડલોર્ડ પોર્ટ મોડેલ' (Landlord Port Model) અપનાવી રહી છે, પરંતુ સમગ્ર બંદરની માલિકી અને આખરી વહીવટી નિયંત્રણ તો કેન્દ્ર સરકાર અને સંબંધિત પોર્ટ ઓથોરિટીઝ પાસે જ રહે છે.
દેશના ૧૨ મુખ્ય બંદરો પર સરકારનું સીધું અંકુશ
હાલમાં દેશના ૧૨ મુખ્ય બંદરો ભારત સરકારના ક્ષેત્રાધિકાર હેઠળ કામ કરે છે. જેમાં ચેન્નાઈ પોર્ટ ઓથોરિટીની માલિકી ધરાવતા કામરાજાર બંદર સિવાયના બાકીના ૧૧ બંદરોનું સંચાલન 'મેજર પોર્ટ ઓથોરિટીઝ એક્ટ, ૨૦૨૧' મુજબ થાય છે. જવાહરલાલ નહેરુ બંદર, પારાદીપ બંદર, શ્યામા પ્રસાદ મુખર્જી બંદર અને વિશાખાપટ્ટનમ જેવા બંદરો પર આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉભી કરવા માટે પારદર્શક બોલી પ્રક્રિયા દ્વારા ખાનગી ખેલાડીઓને માત્ર ઓપરેશનલ કામગીરી સોંપાઈ છે.
બંદરોની આવકમાં બમ્પર ઉછાળો: કમાણીમાં જવાહરલાલ નહેરુ પોર્ટ પ્રથમ નંબરે
સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, દેશના મુખ્ય બંદરોની આવક નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના રૂ. ૧૭,૬૭૧.૪૯ કરોડથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં રૂ. ૨૬,૫૮૨.૭૭ કરોડ ની સપાટી વટાવી ગઈ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના કામચલાઉ આંકડા મુજબ સૌથી વધુ કમાણી કરનારા બંદરો આ મુજબ છે:
· જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી: રૂ. ૪,૩૫૬.૩૪ કરોડ
· દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા): રૂ. ૩,૪૩૭.૨૫ કરોડ
· મુંબઈ પોર્ટ ઓથોરિટી: રૂ. ૩,૩૧૮.૭૪ કરોડ
· શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ (કોલકાતા): રૂ. ૩,૧૨૬.૪૩ કરોડ
· પારાદીપ પોર્ટ ઓથોરિટી: રૂ. ૨,૮૯૩.૬૨ કરોડ
સરકારે ઉમેર્યું હતું કે પારદર્શક અને સ્પર્ધાત્મક નીતિના કારણે બંદરોની કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
