તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
વિદેશ પ્રવાસ પર ટેક્સની વાતો માત્ર અફવા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અહેવાલોને નકારી કાઢ્યા : કહ્યું - "સમાચારમાં જરાય સચ્ચાઈ નથી"
પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માત્ર 'અપીલ' કરાઈ છે, કોઈ પાબંદી નથી : ખોટા સમાચાર બદલ મીડિયા સંસ્થાએ માફી માંગી રિપોર્ટ હટાવ્યો

નવી દિલ્હી : વિદેશ પ્રવાસ કરનારાઓ પર સરકાર નવો ટેક્સ અથવા સેસ લાદવા જઈ રહી છે તેવા અહેવાલો પર ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. પીએમ મોદીએ આ સમાચારોને પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે સરકારનો આવો કોઈ જ ઈરાદો નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, વિદેશ પ્રવાસ પર કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ લાદવાની વાતમાં જરા પણ સચ્ચાઈ નથી અને સરકાર નાગરિકો માટે ‘ઈઝ ઓફ લિવિંગ’ ને વધુ બહેતર બનાવવા માટે કટિબદ્ધ છે.
શું હતો સમગ્ર વિવાદ?
તાજેતરમાં એક અગ્રણી મીડિયા સંસ્થા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દેશમાંથી વિદેશી મુદ્રાનો પ્રવાહ ઘટાડવા માટે સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટ અને ફોરેક્સની ખરીદી પર એક વર્ષ માટે વધારાનો ટેક્સ કે સરચાર્જ લાદવાની વિચારણા કરી રહી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા પ્રવાસીઓમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, વડાપ્રધાનની કડક સ્પષ્ટતા બાદ સંબંધિત મીડિયા સંસ્થાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી અને તે ખબર હટાવી લીધી હતી.
પીએમ મોદીએ માત્ર અપીલ કરી છે, આદેશ નહીં:
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક આર્થિક અસ્થિરતાને જોતા નરેન્દ્રભાઈ મોદીએ ગત રવિવારે દેશવાસીઓને કેટલીક સ્વેચ્છિક અપીલ કરી હતી. જેમાં તેમણે વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે શક્ય હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસો થોડા સમય માટે ટાળવા, એક વર્ષ સુધી સોનાની ખરીદી મુલતવી રાખવી અને ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ માત્ર એક ભાવભરી અપીલ હતી, તેને કોઈ કાયદાકીય બંધન કે ટેક્સ સાથે લેવાદેવા નથી.
સરકાર દ્વારા લેવાયેલા વાસ્તવિક પગલાં:
વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટાડવા સરકારે કેટલાક ચોક્કસ નિર્ણયો લીધા છે, જે નીચે મુજબ છે:
આયાત શુલ્કમાં વધારો: બિન-જરૂરી આયાત ઘટાડવા સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરી દેવામાં આવી છે. પ્લેટિનમ પર પણ ડ્યુટી વધારીને ૧૫.૪ ટકા કરાઈ છે.
ઈંધણના ભાવ: ઈંધણનો વપરાશ ઘટાડવા અને તેલ કંપનીઓને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩-૩ રૂપિયાનો વધારો કરાયો છે.
નેતાઓની સાદગી: પીએમ મોદી સહિત અનેક નેતાઓએ પોતાના કાફલા નાના કરીને અને ગાડીઓનો વપરાશ ઘટાડીને કરકસરનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ:
આંકડાઓ મુજબ, ૮ મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ૬.૨૯ અબજ ડોલર વધીને ૬૯૬.૯૯ અબજ ડોલર પર પહોંચ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં આ ભંડાર ૭૨૮.૪૯ અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ હતો, પરંતુ પશ્ચિમ એશિયા સંકટને કારણે રૂપિયાને ટેકો આપવા આરબીઆઈ દ્વારા ડોલર વેચવામાં આવતા તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. સરકાર હાલ તમામ સ્તરે સ્થિતિ પર નજર રાખી રહી છે અને નાગરિકો પર કોઈ વધારાનો બોજ લાદવાની કોઈ યોજના નથી.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
