તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
E20 ઇથેનોલથી ગાડીઓ બગડતી હોવાની વાતો પાયાવિહોણી: પેટ્રોલિયમ મંત્રાલયે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓનું કર્યું ખંડન
વાહનોના એન્જિનની કામગીરી અને માઇલેજ પર થયેલા વૈજ્ઞાનિક પરીક્ષણોમાં કોઈ નોંધપાત્ર નુકસાન ન હોવાનું પુરવાર: પાણીના વપરાશ અને ઇન્સ્યોરન્સ રદ થવાના દાવાઓને ગણાવ્યા ગેરમાર્ગે દોરનારા

નવી દિલ્હી:છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ સાથે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત 'E20' ફ્યુઅલને લઈને અનેક પ્રકારની ચિંતાઓ અને અફવાઓ ફેલાઈ રહી હતી. ખાસ કરીને વાહનચાલકોમાં એવી ભીતિ હતી કે E20 ઇથેનોલના ઉપયોગથી ગાડીઓનું એન્જિન બગડી જાય છે, માઇલેજ ઘટી જાય છે અથવા વાહનનો વીમો (ઇન્સ્યોરન્સ) રદ થઈ જાય છે. આ ગંભીર ચર્ચાઓ વચ્ચે હવે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મેદાનમાં આવીને આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે અને સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરી છે.
વૈજ્ઞાનિક પરીક્ષણો બાદ જ કરાયો અમલ
પેટ્રોલિયમ મંત્રાલયે ૧૦ મુદ્દાઓના એક વિગતવાર સ્પષ્ટીકરણમાં જણાવ્યું છે કે, E20 ઇથેનોલ પ્રોગ્રામ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક આધારો અને ટેકનિકલ પરીક્ષણો પર આધારિત છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા આ ઇંધણ પર વ્યાપક પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ પરીક્ષણોમાં પેસેન્જર કારોને ૪૦,૦૦૦ કિમી અને દ્વિચક્ર વાહનોને ૨૦,૦૦૦ કિમી સુધી દોડાવીને તપાસવામાં આવ્યા હતા. આ પરીક્ષણો દરમિયાન વાહનની ડ્રાઇવિંગ ક્ષમતા કે ઇંધણની કાર્યક્ષમતા પર કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. માઇલેજમાં પણ માત્ર મામૂલી ફેરફાર નોંધાયો છે, જે વાહનની તકનીકી રચનાને કારણે સામાન્ય ગણી શકાય.
વાહન અને એન્જિનની સુરક્ષા અંગેની સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતા એ દાવાઓ કે "E20 થી એન્જિનમાં કાટ લાગે છે અથવા તે જલ્દી બગડી જાય છે", તેને સરકારે નકારી કાઢ્યા છે. મંત્રાલયે કહ્યું કે, જે વાહનો E20 માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેમાં આ ઇંધણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. વધુમાં, ઈન્સ્યોરન્સ અને વોરંટી અંગેની અફવાઓને પણ મંત્રાલયે પાયાવિહોણી ગણાવી છે. ઓટોમોબાઈલ ઉત્પાદકો અને વીમા કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે E20 ઇંધણનો ઉપયોગ કરવાથી વાહનની વોરંટી કે વીમો કોઈપણ સંજોગોમાં રદ થતા નથી.
પાણીના વપરાશના દાવાઓમાં તથ્યનો અભાવ
સરકારે એક લીટર ઇથેનોલ બનાવવા માટે ૧૦,૦૦૦ લીટર પાણી વપરાતું હોવાના વાયરલ દાવાઓને પણ ખોટા ગણાવ્યા છે. મંત્રાલયે ખુલાસો કર્યો છે કે ઇથેનોલ ડિસ્ટિલરીઓ એક લીટર ઇથેનોલ માટે માત્ર ૩ થી ૫ લીટર પાણીનો જ ઉપયોગ કરે છે અને આ પાણીને રિસાયકલ કરવાની અત્યાધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. આ ઉપરાંત, ઇથેનોલ બનાવવા માટે માત્ર વધારાના ચોખા કે મકાઈનો ઉપયોગ કરવામાં આવે છે, જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાના ધોરણો પૂરા કર્યા બાદ ઉપલબ્ધ હોય છે.
આમ, સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવો એ વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલ છે અને તે વાહનચાલકો માટે ચિંતાનો વિષય નથી. અગાઉ પણ અનેક વિકસિત દેશોમાં આ પ્રકારના ઇંધણનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે, જે ભારતના ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા અને પર્યાવરણની જાળવણી માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
