તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
આ લે લે ! ભગવાન શ્રીકૃષ્ણની શોધમાં લાગી પોલીસ: ગુમ થયેલા 'લડ્ડુ ગોપાલ'ને શોધવા ગ્વાલિયરમાં SITની અનોખી રચના!
પાંચ મહિનાથી લાડલા કાન્હા વિરહમાં પરિવાર ભૂખ્યો-તરસ્યો: આખરે આઈજીએ CSPના નેતૃત્વમાં ત્રણ પોલીસ સ્ટેશનની હથિયારબંધ ટીમ કાન્હાને શોધવા મેદાને ઉતારી!

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી કાયદો અને વ્યવસ્થાના ઇતિહાસમાં કદાચ પ્રથમ એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સામાન્ય રીતે ખૂન કે મોટા કૌભાંડોની તપાસ કરનારી 'સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ' (SIT) હવે સાક્ષાત્ ભગવાનને શોધવા નીકળી છે. આ અનોખી શોધ અલકાપુરીની રહેવાસી વિજયા શર્માના પાંચ મહિનાથી ગુમ થયેલા લાડલા 'લડ્ડુ ગોપાલ' માટે થઈ રહી છે. ગત ૨૯ જાન્યુઆરીએ મહારાજ બાડા વિસ્તારમાં એક લારી પર ભૂલથી રહી ગયેલા ભગવાન કૃષ્ણની મૂર્તિ માત્ર એક પૂજાની વસ્તુ નથી, પરંતુ આ પરિવાર માટે તેમના ઘરના સભ્ય સમાન છે. કાન્હાના ગયા પછી પરિવારમાં એવો શોક છવાયો છે કે ઘરમાં રાંધેલા અન્નનો દાણો પણ કોઈના ગળે ઉતરતો નથી, જાણે આખું ઘર સુનું-સુનું થઈ ગયું છે.
આ ભક્તિ સભર વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે વિજયા શર્માએ રડતી આંખે દાવો કર્યો કે બાલગોપાલ દરરોજ રાત્રે તેના સપનામાં આવે છે અને અત્યંત પીડા સાથે કહે છે, "હું ક્યાંક અટવાઈ ગયો છું અને ઘાયલ થયો છું, મને જલ્દી ઘરે લઈ જા." ભક્તની આ વ્યાકુળતા અને આસ્થા જોઈને ગ્વાલિયરના આઈજી અરવિંદ સક્સેના પણ પીગળી ગયા હતા. તેમણે તાત્કાલિક આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ સીએસપી કિરણ અહિરવારના નેતૃત્વ હેઠળ એક વિશેષ હાઈટેક ટાસ્ક ફોર્સ એટલે કે SIT ની રચના કરી દીધી છે, જેમાં ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનના શ્રેષ્ઠ અધિકારીઓ અને જવાનોને સામેલ કરવામાં આવ્યા છે.
હવે ગ્વાલિયર પોલીસ સીસીટીવી ફૂટેજ, જૂના લીડ્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ભગવાન કૃષ્ણના આ વિગ્રહને શોધવા માટે દિવસ-રાત એક કરી રહી છે. કોતવાલી પોલીસની પ્રાથમિક નિષ્ફળતા બાદ હવે આ નવી SITએ આસપાસના વિસ્તારોમાં પણ તપાસનો વ્યાપ વધાર્યો છે. બીજી તરફ, ભગવાનને સહી-સલામત પાછા લાવનાર વ્યક્તિ માટે વિજયા શર્માએ ₹૫,૦૦૦ ના રોકડ ઈનામની પણ જાહેરાત કરી છે. કાયદાના રક્ષકો હવે કાનજીના રક્ષક બનીને તેમને જલદીથી જલદી પોતાના ભક્તના ઘરે પહોંચાડવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યા છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
