News of Friday, 2nd October 2026
"ટિકિટ લો...": તમિલનાડુના સીએમ થલાપતિ વિજય પોતે બસ કંડક્ટર બન્યા, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને આપી ફ્રી બસ મુસાફરીની મોટી ભેટ
ગાંધી જયંતીના પાવન અવસરે 'વેત્રી પયનમ થિટ્ટમ' યોજનાનું વિસ્તરણ: ચેન્નાઈમાં સરકારી બસમાં સવાર થઈને સીએમ વિજયે મુસાફરોને પોતાના હાથે ફ્રી ટિકિટ અને ચોકલેટ વહેંચી

ચેન્નાઈ, તા.02: રીલ લાઈફમાં અનેક સુપરહિટ ભૂમિકાઓ ભજવી ચૂકેલા તમિલનાડુના નવા મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (થલાપતિ વિજય) શુક્રવારે ગાંધી જયંતીના દિવસે એક અનોખા જ અંદાજમાં નજરે પડ્યા હતા. રાજકારણમાં આવ્યા બાદ પણ પોતાની અલગ શૈલી માટે જાણીતા સીએમ વિજયે રિયલ લાઈફમાં બસ કંડક્ટરનો અવતાર ધારણ કરીને સામાન્ય નાગરિકો અને મુસાફરોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
ગાંધી જયંતીના શુભ પ્રસંગે રાજ્ય સરકારની લોકપ્રિય 'વેત્રી પયનમ થિટ્ટમ' (વિજયી યાત્રા યોજના) ના બૃહદ વિસ્તરણની શરૂઆત કરવા માટે સીએમ વિજય પોતે ચેન્નાઈની સરકારી બસમાં સવાર થયા હતા. મુસાફરી દરમિયાન તેમણે કંડક્ટર બનીને મહિલાઓને પોતાના હાથે મફત ટિકિટો આપી હતી અને કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે ચોકલેટ પણ વહેંચી હતી. આ દરમિયાન એક વૃદ્ધ મહિલાએ ભાવુક થઈને સીએમ વિજયના નજર ઉતાર્યા હતા, જેના જવાબમાં વિજયે પણ પ્રેમપૂર્વક સામે તેમના નજર ઉતારીને વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. સીએમ વિજયનો કંડક્ટર બનવાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
દિવસે ૮૪ લાખથી વધુ મહિલાઓને મળશે નિઃશુલ્ક મુસાફરીનો લાભ
તમિલનાડુ સરકાર દ્વારા વિસ્તૃત કરવામાં આવેલી આ યોજનાથી રાજ્યની આશરે ૮૪.૩૨ લાખ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને સીધો આર્થિક ફાયદો થશે.
• બસોની સંખ્યા: હવેથી મહિલાઓ એક્સપ્રેસ, ડિલક્સ, સામાન્ય અને ઘાટ (પર્વતીય) વિસ્તારોની ૧૨,૬૯૫ થી વધુ રાજ્ય પરિવહન નિગમની બસોમાં સંપૂર્ણપણે મફત મુસાફરી કરી શકશે.
• કોઈ મર્યાદા નહીં: આ યોજના માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી તેમજ દિવસમાં ગમે તેટલી વાર મુસાફરી કરવા પર પણ કોઈ નિયંત્રણ નથી.
મહિલા સશક્તિકરણ અને આર્થિક મુક્તિનો ધ્યેય
મુખ્યમંત્રી વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ના નામ પરથી પ્રેરિત આ 'વેત્રી પયનમ' યોજના અંગે પરિવહન મંત્રી એ. વિજય તમિલન પાર્થિબને જણાવ્યું હતું કે, "આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર લોકોને શિક્ષણ, નોકરી અને રોજગારી માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેથી પરિવહનનો ખર્ચ તેમની આર્થિક પ્રગતિ અને આત્મનિર્ભરતામાં ક્યારેય બાધારૂપ ન બને."
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
