News of Saturday, 25th April 2026
તાજમહેલની સુંદરતા પર ગ્રહણ: સ્ટીલની કચરાપેટીઓ 'ગાયબ' થતા પ્રવાસીઓ પરેશાન, વિશ્વની સાતમા અજાયબીના ઉંબરે કચરાના ઢગલા
સ્વચ્છતાના નામે લગાવેલી કિંમતી ડસ્ટબિનની રાતોરાત ચોરી; મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ચોરને પકડવા દોડતા થયા, પ્રવાસીઓમાં તંત્ર સામે રોષ

આગ્રા : વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા અને ભારતના ગૌરવ સમાન તાજમહેલની આસપાસના વિસ્તારમાં હાલ એક વિચિત્ર કટોકટી સર્જાઈ છે. સ્મારકની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે મુકવામાં આવેલી સ્ટીલની કિંમતી કચરાપેટીઓ (ડસ્ટબિન) રહસ્યમય રીતે ગાયબ થઈ રહી છે. ચોર ટોળકીની આ હરકતને કારણે અધિકારીઓ માથું ખંજવાળી રહ્યા છે અને દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ પાસે હવે કચરો ફેંકવા માટે કોઈ જગ્યા રહી નથી, પરિણામે રસ્તાઓ પર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.
તાજમહેલના ૫૦૦ મીટરના ત્રિજ્યામાં ટકાઉપણું જાળવવા માટે પીવીસીના બદલે મોંઘા સ્ટીલના ડબ્બાઓ મુકવામાં આવ્યા હતા. એચસીએલ ફાઉન્ડેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી તાજગંજ વિસ્તારને અપગ્રેડ કરવાના હેતુથી આ કામગીરી કરાઈ હતી. જોકે, આ આધુનિક ડસ્ટબિન્સ હવે ચોરો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે. ક્યાંક આખી કચરાપેટી ગાયબ છે, તો ક્યાંક તેને ઉખેડવા જતાં તેના થાંભલાઓને તોડી નાખવામાં આવ્યા છે.
ચોરોનો જાદુ કે તંત્રની લાપરવાહી?
અસદ ગલી, શિલ્પગ્રામ કટ અને ટીડીઆઈ મોલ જેવા મુખ્ય પ્રવાસી માર્ગો પરથી ડઝનબંધ કચરાપેટીઓ તૂટી ગઈ છે અથવા ગાયબ થઈ ગઈ છે. મ્યુનિસિપલ અધિકારીઓનું કહેવું છે કે તેઓ સતત સમારકામ કરી રહ્યા છે, પરંતુ ચોરી અને તોડફોડનો આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ અસંભવિત 'બિલાડી-ઉંદરની રમત'માં આખરે તાજમહેલની છબી ખરડાઈ રહી છે.
પોલીસ ફરિયાદ અને પર્યાવરણની ચિંતા:
સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) ના પ્રતિનિધિ મોઈત શર્માએ આ બાબતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને પર્યાવરણ ઇજનેર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. તાજગંજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ ગજબની "સફાઈ" પાછળ કોણ છે તે શોધવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી આ ચોર ટોળકી પકડાય નહીં ત્યાં સુધી તાજની સુંદરતા વચ્ચે ઉડતો કચરો પ્રવાસીઓની વાર્તામાં એક કડવું પ્રકરણ બનીને રહેશે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
