News of Sunday, 16th August 2026
લુણાવાડામાં ગુલિયન બેરી સિન્ડ્રોમના લક્ષણોને લઈ તંત્ર એલર્ટ: 24 શાળાના 13,106 બાળકોની સ્વાસ્થ્ય તપાસ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શાળા અને નાસ્તાની દુકાનોમાં તપાસ કરી 71 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ કર્યો:ત્રણ શાળામાંથી કુલ 17 સેમ્પલ લેવાયા

લુણાવાડામાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)ના લક્ષણોને લઈ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને વિવિધ શાળાઓમાં બાળકોની સ્વાસ્થ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. કુલ 24 શાળાઓના 13,106 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
GBSના લક્ષણોને લઈ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા બાળકોની તપાસ કરવામાં આવી છે. લુણાવાડાની કુલ 24 શાળાઓમાં 13,106 બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી છે.
GBSના શંકાસ્પદ કેસને લઈને કેટલીક શાળાઓમાં જમવામાં આવતી ખાદ્ય સામગ્રી અને સ્વચ્છતા બાબતે બેદરકારી સામે આવી હોવાનું સામે આવ્યું છે. જમવામાં ક્ષતિ અને સ્વચ્છતાના મુદ્દે સંબંધિત શાળાઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા શાળાઓને ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
શાળાઓ ઉપરાંત નાસ્તાની દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ જણાયેલી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. વાઇબ્રન્ટ વેવમાં તપાસ દરમિયાન કુલ 71 કિલો ખાદ્યસામગ્રીનો જથ્થો બિનઆરોગ્યપ્રદ મળી આવ્યો હતો, જેને નાશ કરવામાં આવ્યો હતો.
આદર્શ કેર શાળામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં કુલ 9 સેમ્પલ લેવામાં આવ્યા. ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 4 નમૂના લેવામાં આવ્યા, જ્યારે ઇન્ફીનિટી સ્કૂલમાં પણ તપાસ દરમિયાન 4 સેમ્પલ લેવામાં આવ્યા. આ નમૂનાઓની તપાસના આધારે ખાદ્યસામગ્રીની ગુણવત્તા અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
સમગ્ર મામલે કલેક્ટર અર્પિત સાગર સહિતની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા શાળાઓમાં સ્વચ્છતા, બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. GBSના લક્ષણોને લઈને તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
