તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય: દેશભરમાં અતિભારે વરસાદનું સંકટ; ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 'રેડ એલર્ટ'
IMD દ્વારા ૨૬ થી ૨૮ જુલાઈ દરમિયાન તોફાની પવન સાથે મુશળધાર વરસાદની આગાહી; દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ અને પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ભીતિ

દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાવાના કારણે આગામી ૨૬ થી ૨૮ જુલાઈ દરમિયાન દેશભરમાં ચોમાસું પૂરઝડપે સક્રિય થવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિના કારણે દેશના દરિયાકાંઠાના તેમજ પહાડી રાજ્યોમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં વરસાદી માહોલ ભારે આફત સર્જી શકે છે. IMD દ્વારા અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ અને ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાની પૂરી શક્યતા છે. આ સાથે ગુજરાતના દરિયાઇ વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને માછીમારોને આગામી ૨ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજધાની દિલ્હી અને NCRમાં આગામી એક અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ૨૫ થી ૨૭ જુલાઈ દરમિયાન તેજ પવન અને હળવા છાંટા પડી શકે છે, જ્યારે ૨૮ અને ૨૯ જુલાઈના રોજ મધ્યમ વરસાદની ધારણા છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના આગ્રા, અલીગઢ, લખનઉ અને કાનપુર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે તોફાન અને વરસાદનું એલર્ટ છે.
બંગાળની ખાડીમાં થતી હલચલને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આફતનો વરસાદ થઈ શકે છે. ઓડિશામાં ૨૫ થી ૨૮ જુલાઈ સુધી તીવ્ર વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ભદ્રક, જાજપુર અને કેન્દ્રપડા જેવા વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરીને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા જણાવ્યું છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું જોખમ મંડરાઈ રહ્યું છે. શ્રીનગર, જમ્મુ, શિમલા, કૂલુ, નૈનીતાલ અને ચમૌલી જેવા વિસ્તારોમાં ભૂસ્ખલન અને આભ ફાટવાની ઘટનાઓ બની શકે છે. નદીઓમાં ઘોડાપૂર આવવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે પહાડી વિસ્તારોની યાત્રા ન કરવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆતમાં જ દેશના અનેક ભાગોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સંભવિત આફતને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને NDRFની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાવવા માટેની આગોતરી તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
