News of Thursday, 12th November 2026
સ્વીડનની સંસદે બંધારણમાં સુધારો કરીને બેવડી નાગરિકતા રદ કરવાના ઐતિહાસિક પ્રસ્તાવને આપી મંજૂરી
છેતરપિંડીથી નાગરિકતા મેળવનાર અથવા રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડતા ગંભીર ગુનાઓમાં દોષિત ઠરેલા વ્યક્તિઓની નાગરિકતા છીનવી શકાશે, નાગરિક અધિકાર જૂથોએ વ્યક્ત કરી ચિંતા

સ્ટોકહોમ : સ્વીડનની સંસદે બુધવારે એક અત્યંત મહત્વપૂર્ણ બંધારણીય સુધારાને મંજૂરી આપી છે, જે અંતર્ગત હવે બેવડી નાગરિકતા ધરાવતા વ્યક્તિઓની સ્વીડિશ રાષ્ટ્રીયતા રદ કરવાનો માર્ગ મોકળો થયો છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં નાગરિકતા છેતરપિંડીથી મેળવવામાં આવી હોય.
પ્રાપ્ત વિગતો અનુસાર, સંસદમાં થયેલા મતદાન દરમિયાન આ સુધારાની તરફેણમાં ૨૯૨ મત અને વિરોધમાં ૫૧ મત પડ્યા હતા, જે દર્શાવે છે કે દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મોટાભાગના સાંસદો આ કડક પગલાંના સમર્થનમાં છે.
આ નવા કાયદાકીય માળખા મુજબ, જો કોઈ વ્યક્તિ ખોટા આધારે નાગરિકતા પ્રાપ્ત કરે અથવા સ્વીડનના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતોને ગંભીર રીતે નુકસાન પહોંચાડતા ગુનાઓમાં દોષિત ઠરે, તો સરકાર તેની નાગરિકતા રદ કરવાની સત્તા ધરાવશે.
જોકે, નાગરિક અધિકાર જૂથો દ્વારા આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી છે, જેમાં 'સિવિલ રાઈટ્સ ડિફેન્ડર્સ' ના વરિષ્ઠ કાયદાકીય સલાહકાર આઈડા સમાનીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ દેશમાં મજબૂત અને શરતી એમ બે પ્રકારના નાગરિકત્વ ઊભા કરીને સમાનતાના અધિકાર સામે પ્રશ્નો ખડા કરશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનના નેતૃત્વ હેઠળની સરકારે અગાઉ સંગઠિત ગુના અને ગેંગ વોરના કેસોમાં દોષિત ઠરેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી, જેના માટે બંધારણમાં બે અલગ-અલગ તબક્કામાં મતદાન કરવું અનિવાર્ય હતું.
હાલમાં સપ્ટેમ્બરની ચૂંટણી બાદ નવી સરકારની રચનાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી કાર્યકારી સરકાર દ્વારા આ ખરડા પર કામ શરૂ કરાયું છે, ત્યારે હવે આગામી નવી સરકાર કયા ચોક્કસ ગુનાઓ હેઠળ નાગરિકતા રદ કરવી તે અંગે અંતિમ કાયદો અમલમાં મૂકશે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
