News of Friday, 4th September 2026
ફિલ્મોમાં કામ ન મળતા સ્વરા વિવાદિત નિવેદનો આપે છે.: VHP નેતા શંકર ભાઉએ અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે આકરા પ્રહારો કર્યા
તેમણે જણાવ્યું કે મા પદ્મિનીનું અપમાન કરી સ્ત્રીઓનું અપમાન કરનાર આવી વ્યક્તિ દેશની નારીઓ માટે કલંક સમાન છે અને તેને મહત્વ ન આપવું જોઈએ.

મુંબઈ :અભિનેત્રી સ્વરા ભાસ્કર દ્વારા કરવામાં આવતી રાજકીય અને સામાજિક ટિપ્પણીઓને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે વીએચપીના અગ્રણી નેતા શંકર ભાઉએ સ્વરા ભાસ્કરના તાજેતરના વિવાદિત નિવેદનો સામે આકરો પિત્તો ગુમાવ્યો છે. તેમણે હિન્દુત્વના મુદ્દે વિધર્મીઓ અને હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા તત્વો પર આકરા પ્રહારો કર્યા હતા.
વીએચપી નેતા શંકર ભાઉએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે સ્વરા ભાસ્કરને લાંબા સમયથી બોલિવૂડ ફિલ્મોમાં કામ મળતું બંધ થઈ ગયું છે. ચર્ચામાં રહેવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જ તે સતત હિન્દુ ધર્મ અને દેશની સંસ્કૃતિ વિરુદ્ધ ઝેર ઓકી રહી છે. તેમણે કહ્યું કે ફિલ્મી કરિયર ખતમ થઈ જવાના હતાશામાં આવીને તે દેશના અસ્તિત્વ અને આપણી પવિત્ર માતાઓ સામે શરમજનક અને વાંધાજનક ટિપ્પણીઓ કરી રહી છે.
શંકર ભાઉએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે રાણી પદ્મિની એટલે કે મા પદ્મિનીના સર્વોચ્ચ બલિદાન અને ગૌરવ પર ટિપ્પણી કરીને અભિનેત્રીએ સમગ્ર ભારતીય નારીશક્તિનું ઘોર અપમાન કર્યું છે. તેમણે આકરા શબ્દોમાં પ્રહાર કરતાં કહ્યું કે, "આવી સ્ત્રી દેશની સંસ્કારી અને ગૌરવશાળી નારીઓ માટે કલંક સમાન છે. જે સ્ત્રી ભારતના ગૌરવશાળી ઇતિહાસ અને વિરાંગનાઓનું સન્માન ન જાળવી શકે તેને ભારતીય સંસ્કૃતિ વિશે બોલવાનો કોઈ જ અધિકાર નથી."
શંકર ભાઉએ હિન્દુ સમાજને અપીલ કરતાં કહ્યું કે આવી વિવાદાસ્પદ માનસિકતા ધરાવતી વ્યક્તિઓને સમાજ કે મીડિયા દ્વારા કોઈપણ પ્રકારનું મહત્વ આપવું ન જોઈએ. ધર્મ અને રાષ્ટ્રની અસ્મિતા પર વારંવાર પ્રહારો કરનારા તત્વોનો સામાજિક સ્તરે બહિષ્કાર થવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ હિન્દુ આસ્થા કે ઐતિહાસિક પાત્રોનું અપમાન કરવાની હિંમત ન કરે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
